Gujarati News

Gujarati News

News of Saturday, 21st December 2019

યુપીનો મરણાંક ૧૫: હવે બિહારમાં હિંસા

નાગરિકતા કાનૂનના વિરોધમાં દેશના અનેક ભાગોમાં દેખાવો-પ્રદર્શનો ચાલુઃ આજે યુપીમાં શાળા-કોલેજો બંધ : બિહારમાં રાજદએ આજે બંધનું એલાન આપ્યુઃ ઠેરઠેર કાર્યકરો રસ્તા પરઃ દેખાવોઃ ટ્રેનો અટકાવાઈઃ આગજનીઃ ગાડીઓમાં તોડફોડ

નવી દિલ્હી, તા. ૨૧ :. નાગરિકતા કાનૂનના વિરોધમાં પ્રદર્શનો હજુ પણ ચાલુ જ છે. આજે બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ તરફથી બંધનું એલાન કરવામાં આવ્યુ છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં પ્રશાસને બધી શાળા-કોલેજો બંધ રાખવાના આદેશો આપ્યા છે. જો કે રાજધાની દિલ્હીમાં બધા મેટ્રો સ્ટેશનો ચાલુ કરી દેવાયા છે. આજે બિહારમાં તોડફોડ આગજની ટ્રેન રોકવાના અને પથ્થરમારાના બનાવો બન્યા હતા.

ગઈકાલે ઉત્તર પ્રદેશના કેટલાય જીલ્લાઓમાં થયેલા હિંસક પ્રદર્શનોમાં ૧૫ લોકોના મોત થયા હતા. જેમાં એક આઠ વર્ષનો બાળક પણ હતો. મળતી માહિતી અનુસાર મેરઠમાં ચાર, બિજનૌર, કાનપુર અને સંભલમાં બે-બે જ્યારે મુજફફરનગર, ફિરોઝાબાદ અને વારાણસીમાં એક - એક લોકોના મોત થયા હતા. જો કે આઈજી કાયદો અને વ્યવસ્થાએ આઠના મોતની પુષ્ટી કરી છે. આખો દિવસ યુપીના ગોરખપુર, અલીગઢ, સંભલ, બિજનૌર, શામલી, સહરાનપુર સહિત રાજ્યના કેટલાય જીલ્લાઓમાં પ્રદર્શનો થયા હતા. પરિસ્થિતિને જોતા યુપી આજે બધી શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવામાં આવી છે. શુક્રવારે દિલ્હીમાં જામા મસ્જિદમાં જુમાની નમાજ પછી હજારો પ્રદર્શનકારીઓ રોડ પર આવીને જંતરમંતર તરફ આગળ વધ્યા હતા પણ તેમને દિલ્હી ગેઈટ પર જ રોકી દેવાયા હતા. મેરઠમાં થયેલા હિંસક પ્રદર્શનોને કાબુમાં લેવા પોલીસે ગોળીઓ ચલાવવી પડી જેમાં ચાર લોકો મરી ગયા હતા. કાનપુરમાં થયેલા ફાયરીંગમાં ૧૩ લોકો ઘાયલ થયા હતા ત્યાં પ્રદર્શનકારીઓએ પોલીસની ત્રણ બાઈક સહિત ચાર ગાડીઓ સળગાવી દીધી હતી. પથ્થરમારા ઉપરાંત ત્યાં પોલીસ પર ફાયરીંગ અને હેન્ડ ગ્રેનેડ પણ ફેંકાયા હતા. પોલીસની જવાબી કાર્યવાહીમાં ૧૩ પ્રદર્શનકારીઓને ગોળી વાગી હતી. બે સીઓ, ઈન્સ્પેકટર, પીએસઆઈ સહિત એક ડઝનથી વધારે પોલીસ કર્મચારીઓ અને મીડીયા કર્મીઓને પણ ઈજાઓ થઈ હતી. પોલીસે ૩૬ લોકોની ધરપકડ કરી હતી. મેરઠમાં ભીડે પોલીસ પર ફાયરીંગ અને પથ્થરમારો કર્યો હતો. ઉપરાંત ત્રણ પોલીસ સ્ટેશનો સળગાવી દીધા હતા. આ દરમ્યાન એક ઉપદ્રવીનુ મોત થયુ હતું, જ્યારે એક એસપી સહિત સાત પોલીસ કર્મચારીઓને ઈજાઓ થઈ હતી.

(3:24 pm IST)