Gujarati News

Gujarati News

News of Saturday, 21st December 2019

દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારત ફરી હચમચ્યુ

છથી વધુની તીવ્રતાના ભૂકંપથી ભારે દહેશત : સાંજે પ્રચંડ ભૂકંપથી લોકો આવાસ બહાર દોડ્યા : ભૂકંપનું કેન્દ્ર હિન્દુકુશ ક્ષેત્ર નોંધાયું : પાક અને અફઘાનમાં આંચકા

નવીદિલ્હી, તા. ૨૦ : દિલ્હીથી એનસીઆર સહિતના વિવિધ રાજ્યો આજે પ્રચંડ ભૂકંપના કારણે હચમચી ઉઠ્યા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૮ જેટલી આંકવામાં આવી હતી. ભૂકંપ બાદ દિલ્હી અને એનસીઆરમાં રહેતા લોકો પોતાના ઘરમાંથી બહાર દોડી ગયા હતા. ભૂકંપના કારણે હજુ સુધી કોઇપણ પ્રકારના નુકસાનના સમાચાર મળી શક્યા નથી. ભૂકંપનું કેન્દ્ર હિન્દુકુશ હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપ-એનસીઆરમાં રહેતા લોકો દહેશતમાં દેખાયા હતા. જો કે, કોઇપણ પ્રકારના નુકસાનના સમાચાર ન મળતા તંત્રએ રાહત અનુભવી હતી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિન્દુકુશ વિસ્તારમાં હતુ. શરૂઆતી રિપોર્ટમાં આની તીવ્રતા ૬.૮ જેટલી આંકવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૨૫૦ કિલોમીટરની અંદર રહ્યું હતું. ભૂકંપની તીવ્રતા છ જેટલી આંકવામાં આવી હોવાનું મોડેથી મળી હતી.

             જુદા જુદા રાજ્યોમાં આંચકો અનુભવાયો હતો જેમાં પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, દિલ્હી અને એનસીઆરનો સમાવેશ થાય છે. મોડી સાંજે આંકડાને લઇને સ્પષ્ટતા કરવામાં આવી હતી. પાકિસ્તાનમાં પણ આંચકા અનુભવાયા હતા. મિડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પેશાવર, રાવલપિંડીમાં તીવ્ર આંચકા અનુભવાયા હતા. જો કે, આ બંને જગ્યાઓએ પણ નુકસાન થયું નથી. અફઘાનિસ્તાનમાં પણ આંચકા અનુભવાયા હતા. સાંજે ૫.૪૦ની આસપાસ આંચકો આવ્યા બાદ દિલ્હી અને એનસીઆરમાં લોકો પોતાના ઘર અને ઓફિસમાંથી બહાર નિકળ્યાહતા અને દહેશતમાં દેખાયા હતા.

(12:00 am IST)