Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ભાઇસાબ, મોબાઇલ ઉપર પ્રતિબંધ નથી મૂકયોઃ ઉ. પ્ર. સરકારે કરેલ સ્પષ્ટતા

લખનૌ તા. ર૧ :.. ઉત્તર પ્રદેશના ઉચ્ચ શિક્ષણ ડાયરેકટરોટે આ બધા મીડિયા રીપોર્ટોનું ખંડન કર્યુ છે. જેમાં જણાવાયું છે કે સરકારે રાજયની બધી કોલેજો અને યુનિવર્સિટીઓમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ મુકી દીધો છે. રાજયના ઉચ્ચ શિક્ષણ નિર્દેશાલયે એ પત્ર બહાર પાડીને રાજયભરની કોલેજ પરિસરમાં મોબાઇલ ફોનના ઉપયોગ કર પ્રતિબંધ મુકવાના મીડીયા રિપોર્ટને રદીયો આપ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે શિક્ષણ બોર્ડ દ્વારા આવો કોઇ આદેશ નથી આપવામાં આવ્યો. આ પહેલા એવા સમાચારો વહેતા થયા હતા કે ઉચ્ચ શિક્ષણના ડાયરેકટર દ્વારા એવો સકર્યુલર બહાર પાડવામાં આવ્યો છે જેના અનુસાર કોલેજોમાં મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં  આવશે.

પહેલાના મીડીયા રીપોર્ટ મુજબ, આ પ્રતિબંધ વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકો પર પણ લાગવાનો હતો. ઉચ્ચ શિક્ષણના ડાયરેકટરે કોલેજ અને યુનિવર્સિટીમાં અભ્યાસના સારા વાતાવરણનો હવાલો આપીને આ સકર્યુલર બહાર પાડયો હતો. જેમાં કહેવાયું હતું કે જોવામાં આવે છે કે વિદ્યાર્થીઓ અને શિક્ષકો શિક્ષણને બદલે મોબાઇલ ફોન પર પોતાનો કિંમતી સમય વેડફી રહ્યા છે.

પણ સમાચાર એજન્સીએ જે પત્ર બહાર પાડયો છે તે મુજબ તેમાં ચોખ્ખું લખ્યું છે કે ઉચ્ચ શિક્ષણ ડાયરેકટરોટે પોતાના પત્રમાં લખ્યું છે તેના દ્વારા આવો કોઇ આદેશ નથી બહાર પાડવામાં આવ્યો અને મીડીયામાં જે માહિતી અપાઇ છે તે ખોટી છે.

ઉલ્લેખનીય છે કે, યોગી આદિત્યનાથ આ પહેલા કેબિનેટ મીટીંગ ઉપરાંત બધી સરકારી મીટીંગોમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ મુકી ચૂકયા છે. ઘણા બધા પ્રધાનો મીટીંગ દરમ્યાન વ્હોટસએપનો ઉપયોગ કરતા ઝડપાઇ ગયા પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

(4:04 pm IST)