Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

પ્રફુલ પટેલનું ૧૫ માળનું સીજે હાઉસ જપ્ત થશે

ઈકબાલ મિર્ચીની જમીન પર બન્યુ છે આ બિલ્ડીંગઃ ઈડી ટુંક સમયમાં ત્રાટકશેઃ ઈકબાલ મિર્ચીની ૨૦૦૦ કરોડની સંપતિ પણ જપ્ત કરાશે

નવી દિલ્હી તા.૨૧: ભુતપૂર્વ કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન પ્રધાન પ્રફુેલ્લ પટેલનું મુંબઇના પોશ વિસ્તારમાં વર્લીમાં આવેલ સી જે હાઉસ જપ્ત કરાશે. મની લોન્ડરીંગ રોકવાના કાયદા હેઠળ એન્ફોર્સમેન્ટ ડાયરેકટ (ઈડી) ટુંક સમયમાંજ સી જે હાઉસને જપ્ત કરવાની તૈયારીમાં છે. આક્ષેપ છે કે પ્રફુલ પટેલ પરિવારની કંપની મિલેનીયમ ડેવલોપર્સ ડ્રગ માફિયા ઈકબાલ મિર્ચીની જમીન પર ૧૫ માળના સી જે હાઉસનું નિર્માણ કર્યુ હતુ.

શુક્રવારે પૂછપરછ દરમ્યાન પ્રફુલ પટેલ ઈડી પાસેના દસ્તાવેજોને નકારી નહોતા શકયા. ઈડીના એક ઉચ્ચ અધિકારી અનુસાર પૂછપરછ દરમ્યાન પ્રફુલ પટેલે એક રીતે સ્વીકાર કરી લીધો છે કે વર્લી સ્થિત સીજે હાઉસ બન્યુ તે પ્લોટ ઈકબાલ મીર્ચીનો છે તેમણે ફકત એટલી જ સફાઇ આપી કે તેમને ખબર નહોતી કે ઈકબાલ મેમણ જ દાઉદનો જમણો હાથ મનાતો  અને તેનો ડ્રગનો કારોબાર સંભાળનાર ઈકબાલ મિર્ચી છે. આમ પ્રફુલ્લ પટેલ પરિવાર દ્વારા કરવામાં આવેલ એ દાવાની હવા પણ નિકળી ગઇ છે. જેમાં તેમણે કહ્યુ હતુ કે આ જમીન ૧૯૬૩થી તેમની પાસે હતી અને ઈકબાલ મિર્ચીને તેની સાથે કોઇ લેવા દેવા નથી.

ઉચ્ચ અધિકારી અનુસાર, સીજે હાઉસ ઈકબાલ મિર્ચીની જમીન પર ઉભુ કરવામાં આવ્યુ છે. તેવુ એક સાબિત થઇ જાય એટલે તેને જપ્ત કરવાના રસ્તા ખુલ્લા થઇ જશે. તેમણે કહ્યુ કે સીજે હાઉસ જ નહીં, ઈકબાલ મિર્ચીની મુંબઇમાં આવેલી અન્ય બેનામી મિલ્કતોની પણ તપાસ ચાલી રહી છે. અને તેને પણ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ઈડીનુ કહેવુ છે કે ઈકબાલ મિર્ચીએ આ બધી મિલકતોડ્રગના ધંધામાં થયેલી કાળી કમાણીમાંથી બનાવી હતી અને મની લોન્ડ્રીંગ કાયદા હેઠળ તેને જ્પ્ત કરવાની જોગવાઇ છે.

ઈડી અત્યાર સુધીમાં ઈકબાલ મિર્ચીની દેશ વિદેશમાં આવેલ ૨૦૦ કોરડ રૂપિયાથી વધારેની મિલકતોની ભાળ મેળવી ચુકી છે. ઈડી પાસેના દસ્તાવેજો અનુસાર , સી જે હાઉસ જ નહી, વર્લીમાં જ સન બ્લીંક રિયલ્ટર્સને અપાયેલ પ્લોટ પણ ઈકબાલ મિર્ચીનો છે.

(11:42 am IST)