Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

મુડ ઓફ ધ નેશન

૨૦૧૯માં સપા-બસપા-તૃણમુલ બીજેપીનો ખેલ બગાડશે

જો મહાગઠબંધન થઈ જાય તો ત્રિશંકુ સંસદનાં એંધાણઃ ભાજપ સૌથી મોટો પક્ષ બનશે પણ નાના-નાના પક્ષો ઉપર નિર્ભર રહેવું પડશે

નવી દિલ્હી, તા. ૨૧ :. ઈન્ડીયા ટુડેના મુડ ઓફ ધ નેશન જુલાઈ ૨૦૧૮ પોલ અનુસાર જો આજની તારીખમાં ચૂંટણી થાય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ ૨૦૧૯માં સત્તા જાળવી રાખવામાં સફળ થશે પણ જો મહાગઠબંધનની કસરતમાં લાગેલા કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બસપા અને તૃણમુલ કોંગ્રેસે એક થઈને ચૂંટણી લડે તો ત્રિશંકુ લોકસભા થવાની શકયતા છે.

 

મુડ ઓફ ધ નેશન અનુસાર ભાજપા માટે મુખ્ય ચિંતાજનક શકયતા એ છે કે વિપક્ષો બધા સાથે થઈ જાય અને મહાગઠબંધન બનાવે તો તે ગઠબંધન ૨૨૪ સીટો જીતીને એનડીએની લગોલગ આવી શકે તેમ છે. આ પરિસ્થિતિમાં એનડીએને ૨૨૮ બેઠકો મળવાની શકયતા છે અને ભાજપાની બેઠકો ઘટીને ૧૯૪ થઈ શકે.

જો કે તો પણ ભાજપા જ સૌથી મોટા પક્ષ રહેશે પણ સરકાર બનાવવા માટે તેને બીજા પક્ષોની તોડફોડ પર આધારિત રહેવું પડશે. આ સ્થિતિમાં ભાજપાના સૌથી દમદાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શાખને ધક્કો લાગશે. શકયતા એવી પણ છે તે આવી જોડતોડની સરકારથી દૂર રહે.

આ સર્વેમાં ત્રીજી શકયતા પણ છે, જેમાં જો અન્ના દ્રમુક એનડીએમાં સામેલ થાય તો પણ એનડીએનું ગઠબંધન બહુમતીથી પાછળ જ રહેશે.

જુલાઈમાં થયેલ આ સર્વેક્ષણ જણાવે છે કે, એક વર્ષ પહેલાના સર્વેમાં ભાજપાને ૨૯૮ સીટો મળે તેમ હતી તે હવે ઘટીને ૨૪૫ થઈ ગઈ છે એટલે ભાજપા પોતાના જોર પર બહુમતીના આંકડાથી ૨૭ સીટો પાછળ રહેશે. જો કે સર્વે અનુસાર એનડીએ પોતાના સહયોગી દળો સાથે ૨૮૧ બેઠકો જીતવામાં કામીયાબ રહેશે.(૨-૨)

(11:36 am IST)