Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

મોદીના મંત્રીઓની લોકપ્રિયતામાં ઘટાડોઃ પણ નંબર વન અરૂણ જેટલી

સર્વેમાં ૩૪ ટકા લોકોને બેરોજગારી, ૨૪ ટકા લોકોને મોંઘવારી, ૧૮ ટકાને ભ્રષ્ટાચાર, ૫ ટકાને મહિલા સુરક્ષા,૫ ટકાને નોટબંધીના કારણે વેપારના નુકશાનને મોટો મુદ્દો ગણાવ્યો

નવી દિલ્હી તા. ૨૧ : કેન્દ્રની મોદી સરકારની લોકપ્રિયતામાં ઘટાડો થઇ રહ્યો છે.જોકે નરેન્દ્ર મોદી હજુ પણ વડાપ્રધાન માટે નંબર વન પર છે.૪૯ ટકા લોકોએ હજુ પણ તેમને નંબર ગણાવ્યા છે. જયારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને માત્ર ૨૭ ટકા લોકોએ પસંદ કર્યા છે. ઇન્ડિયા ટુડે અને કાર્વી ઇન્સાઇટસના મૂડ ઓફ ધ નેસન નામના સર્વેમાં મોદી સરકારે પાંચ ટોપ મંત્રીઓનો પણ સર્વે કરાયો.સર્વેના જણાવ્યા મુજબ પાંચમાંથી ચાર મંત્રીઓની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે જયારે ફકત એક મંત્રીની લોકપ્રિયતામાં વધારો થયો છે.

 

સર્વેના જણાવ્યા મુજબ, કેન્દ્રીય નાણાંમંત્રી અરુણ જેટલી હજુ પણ લોકપ્રિયતા મામલે નંબર વન પર છે.જોકે જાન્યુઆરી ૨૦૧૮ના સર્વે મુજબ,તેમની લોકપ્રિયતામાં ૨ અંકનો ઘટાડો થયો છે.જુલાઈ ૨૦૧૮ના મૂડ ઓફ ધ નેશન સર્વેમાં તેમને ૨૪ અંક મળ્યા છે. ૨૩ અંકની સાથે ગૃહ મંત્રી રાજનાથ સિંહ લોકપ્રિયતા મામલે મોદી સરકારના બીજા મંત્રી છે. જાન્યુઆરી થી જુલાઈ વચ્ચે સિંહની લોકપ્રિયતામાં એક અંકનો ઘટાડો થયો છે. ત્રીજા નંબર પર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ છે.તેમને ૨૧ અંક મળ્યા છે. જાન્યુઆરીની સરખામણી એ તેમની લોકપ્રિયતા પણ બે અંક ઘટી છે. ચોથા નંબર પર સડક પરિવહન મંત્રી નીતિન ગડકરી છે જેની લોકપ્રિયતા એક અંક વધીને ૧૯ પર પહોંચી છે.રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ પાંચમા નંબર પર છે.તેની લોકપ્રિયતા પણ એક અંકના ઘટાડા સાથે ૯ પર પહોંચી છે.

સર્વેમાં ૩૪ ટકા લોકોને બેરોજગારી, ૨૪ ટકા લોકોને મોંઘવારી, ૧૮ ટકા લોકોને ભ્રષ્ટાચાર, ૫ ટકા લોકોને મહિલા સુરક્ષા, ૫ ટકા લોકોને નોટબંધીના કારણે વેપારના નુકશાનને મોટો મુદ્દો ગણાવ્યો છે. ઉલ્લેખનીય છે કે સર્વેમાં કહેવામાં આવ્યું છે કે જો આજની તારીખમાં દેશમાં લોકસભા ચૂંટણી થશે તો કોંગ્રેસે સપા, બસપા અને તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી પહેલા ગઢબંધન કર્યું તો ભાજપની નેતૃત્વ વાળી એનડીએ ગઢબંધનને બહુમત મળી શકશે નહી.એનડીએને ૨૨૮ સીટો જયારે યુપીએને ૨૨૪ સીટો અને અન્યના ખાતામાં ૯૨ સીટો જશે.(૨૧.૯)

(11:32 am IST)