Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

રાફેલ ડીલ મુદ્દે અનિલ અંબાણીએ ફરી રાહુલ ગાંધીને પત્ર લખ્યો

કેટલાક નિહિત સ્વાર્થી તત્વો અને કોર્પોરેટ હરિફોએ કોંગ્રેસને ખોટી માહિતી આપી છે તથા ભ્રમિત કર્યા છે

નવી દિલ્હી તા. ૨૧ : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાફેલ ડીલની બાબતમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા પીએમ મોદી અને તેમની સરકારને ઘેરવાની કોશિશ કરી રહ્યાં છે. તેમણે આ સોદાથી અનિલ અંબાણીની કંપનીને હજારો કરોડો રૂપિયાનો ફાયદો પહોંચાડ્યાનો પણ આરોપ મૂકયો છે. પરંતુ અનિલ અંબાણીએ હવે રાહુલને બીજો પત્ર લખીને દાવો કર્યો છે કે કેટલાંક નિહિત સ્વાર્થી તત્વો અને કોર્પોરેટ હરિફોએ કોંગ્રેસને ખોટી માહિતી આપી છે તથા ભ્રમિત કર્યાં છે.

ગત અઠવાડિયે રાહુલ ગાંધીને મોકલેલા પત્રમાં અનિલ ધીરૂભાઇ અંબાણી ગ્રૂપ (ADAG)ના ચેરમેન અનિલ અંબાણીએ રાહુલ ગાંધી દ્વારા લગાવામાં આવેલા એકે-એક આરોપોનો જવાબ આપ્યો છે. પત્રમાં અનિલ અંબાણીએ પોતાની અને કંપની ઉપર કરાયેલા પ્રહારો પર ઉંડું દુઃખ વ્યકત કર્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં અનિલ અંબાણીએ ૧૨ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ રાહુલ ગાંધીને પહેલો પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે તર્ક આપ્યો હતો કે રિલાયન્સ ગ્રૂપને આ સોદો એટલા માટે મળ્યો કારણ કે તેમની પાસે ડિફેન્સ શિપ બનાવાનો અનુભવ હતો.

અનિલ અંબાણીએ બીજા પત્રમાં રાહુલ ગાંધીને કહ્યું કે તમામ આરોપો નિરાધાર, ખોટી માહિતીના આધાર પર અને દુર્ભાગ્યપૂર્ણ છે. અનિલ અંબાણીએ કહ્યું કે રાફેલ લડાકુ વિમાનનું નિર્માણ રિલાયન્સ કે દસો રિલાયન્સના સંયુકત સાહસ દ્વારા કરાયું નથી. તમામ ૩૬ વિમાનોનું ૧૦૦ ટકા નિર્માણ ફ્રાન્સમાં જ કરાશે અને ફ્રાન્સથી ભારતમાં નિકાસ કરાશે.

રાહુલ ગાંધીએ આરોપ મૂકયો હતો કે એડીએજી ગ્રૂપને લડાકુ વિમાન બનાવાનો કોઇ અનુભવ ન હોવા છતાંય તેમને ૪૫૦૦૦ કરોડ રૂપિયાનો ફાયદો પહોંચાડ્યો છે. તેના જવાબમાં અનિલ અંબાણીએ કહ્યું કે અમારી ભૂમિકા ઓફસેટ નિકાસ અને બીજી નિકાસ જવાબદારી સુધી સીમિત છે. તેમાં BEL અને DRDO જેવી જાહેરક્ષેત્રની કંપનીઓ સિવાય ૧૦૦થી વધુ એમએસએમઇ સામેલ થશે. તેનાથી ભારતની વિનિર્માણ ક્ષમતા મજબૂત થશે અને આ ખુદ ૨૦૦૫થી યુપીએ સરકાર દ્વારા ચલાવામાં આવી રહેલ ઓફસેટ નીતિઓની અનુરૂપ જ છે. ભારત સરકાર સાથે અમારો કોઇ કોન્ટ્રાકટ નથી. અસલમાં કેટલાંક નિહિત સ્વાર્થી તત્વો દ્વારા ફેલાવામાં આવેલ મનઘડત પરિકલ્પના છે.(૨૧.૧૧)

(11:31 am IST)