Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

સબરીમાલા મંદિરમાં મહિલાઓઅે પ્રવેશ કરતા ભગવાન રોષે ભરાયા અને કેરળમાં તારાજી સર્જાઇઃ તામિલનાડુના રાઇટ વિંગ હિન્દુ નેશનાલિસ્ટ પાર્ટી મક્કલ કાત્ચીનું વિવાદાસ્પદ નિવેદન

મુન્નુરઃ વિનાશકારી પૂરને કારણે કેરળ રાજ્યમાં તારાજી સર્જાઈ ગઈ છે. લાખો લોકો બેઘર થયા છે, અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. સુરક્ષાકર્મીઓ યુદ્ધસ્તરે બચાવકાર્ય કરી રહ્યા છે. માત્ર દેશના જ નહીં, દુનિયાભરના લોકો કેરળના લોકો માટે મદદ મોકલી રહ્યા છે.

આવા સંકટના સમયે લોકો જ્યારે દરેક પ્રકારના ભેદભાવ ભુલીને મુશ્કેલીમાં ફસાયેલા કેરળના લોકોની મદદ કરી રહ્યા છે ત્યારે તમિલનાડુની એક રાઈટ વિંગ હિન્દુ નેશનાલિસ્ટ પાર્ટી હિન્દુ મક્કલ કાત્ચી(Hindu Makkal Katchi)એ એક વિવાદાસ્પદ અને ચોંકાવનારું નિવેદન આપ્યું છે.

આ પાર્ટીનું કહેવું છે કે, સબરીમાલા મંદિરમાં મહિલાઓએ પ્રવેશ કર્યો હોવાને કારણે ભગવાન રોષે ભરાયા અને પૂર આવ્યું છે. આ કમિટીએ રામેશ્વરમમાં આવેલા મંદિરમાં પૂજા પણ કરી. ઉલ્લેખનીય છે કે, સબરીમાલા મંદિરમાં પહેલા મહિલાઓ માટે પ્રવેશ પર પ્રતિબંધ હતો.

આટલુ જ નહીં, આ પાર્ટીએ તે નેતાઓને પણ જવાબદાર ઠેરવ્યા છે જેમણે મહિલાઓને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપી છે. પાર્ટીના ડિસ્ટ્રીક્ટ પ્રેસિડન્ટ પ્રભાકરને કેરળ સરકારને મહિલાઓને મંદિર પરિસરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકવાની અપીલ પણ કરી છે.

(12:00 am IST)