Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

રમત ગમત મંત્રાલય એક્શન મોડમાં : WFIના એડિશનલ સેક્રેટરી વિનોદ તોમરને કર્યા સસ્પેન્ડ

ભારતીય કુશ્તી સંઘના એડિશનલ સેક્રેટરી વિનોદ તોમર રેસલર્સ દ્વારા કરવામાં આવતા પ્રદર્શનને ષડયંત્ર ગણાવતા હતા

નવી દિલ્હી : ભારતના રમત ગમત મંત્રાલયે આજે ફરી એકવાર મોટી કાર્યવાહી કરી છે. રમત ગમત મંત્રાયલ દ્વારા ભારતીય કુશ્તી સંઘના એડિશનલ સેક્રેટરી વિનોદ તોમરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિનોદ તોમર રેસલર્સ દ્વારા કરવામાં આવતા પ્રદર્શનને ષડયંત્ર ઘણાવતા હતા. તેઓ આ મામલે સતત WFIના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહના પક્ષમાં નિવેદન આપી રહ્યા હતા. જોકે, તેમણે હાલમાં જણાવ્યું છે કે, મને હમણા સુધી આવો કોઈ ઓર્ડર મળ્યો નથી 

રેસલર્સ દ્વારા કરવામાં આવતા વિરોદ્ધ પ્રદર્શનને કારણે હાલમાં દિલ્હીમાં રેસલર્સોનો રોષ જોવા મળી રહ્યો હતો. કાલે મોડી રાત્રે રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરે રેસલર્સ સાથેની બેઠક બાદ મહત્વનો નિર્ણય કર્યો હતો. WFIના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ જેમના પર જાતીય સતામણીના ગંભીર આરોપ લાગ્યા છે, તેમને આ મામલાની સંપૂર્ણ તપાસ ન થઈ જાય ત્યાં સુધી જવાબદારીઓથી હટાવી દેવામાં આવ્યા છે.

 

ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ WFIના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ સામેના જાતીય સતામણીના આરોપોની તપાસ માટે સાત સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિમાં મેરી કોમ, ડોલા બેનર્જી, અલકનંદા અશોક, યોગેશ્વર દત્ત, સહદેવ યાદવ અને બે એડવોકેટ સભ્યો છે. જણાવી દઈએ કે 18 જાન્યુઆરીથી દિલ્હીમાં રેસલર્સ પોતાની સાથે થયેલા અન્યાય સામે વિરોદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે.

જાતીય સતામણીના આરોપી WFIના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહની ફરિયાદ કરવા દિગ્ગજ રેસલર્સ રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરના નિવાસ સ્થાને સતત 2 દિવસથી જઈ રહ્યાં હતા.આ તમામ ઘટના ક્રમને લઈને આખા દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ક્રમમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના અધ્યક્ષ પી.ટી. ઉષાએ મોટો નિર્ણય લીધો હતો.

(9:56 pm IST)