Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

જયસુખ પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ, લૂક આઉટ નોટિસ ઇશ્યુ

તપાસ એજન્સી દ્વારા સતાવાર કોઈ વિગતો જાહેર ન કરાઇ

મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ચારેક મહિના બાદ અચાનક જ ઝૂલતા પુલનું સંચાલન કરનાર અજંતા - ઓરેવાના એમડી જયસુખ પટેલે આગોતરા જામીન અરજી કરતા ચર્ચાઓ ઉઠી છે, જો કે અત્યાર સુધી ભૂગર્ભમાં રહેલા જયસુખ પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ અને લૂક આઉટ નોટિસ ઇશ્યુ થઈ હોવાથી જ  આગોતરા જામીન મુક્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

સુમહિતગાર વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ જયસુખ પટેલ સામે લૂક આઉટ નોટિસ જારી મોરબીમાં 135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં અજંતા ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ સામે મોરબી કોર્ટે થોડા દિવસ પહેલા લૂક આઉટ નોટિસ ઇશ્યુ કરી ધરપકડ વોરંટ જારી કર્યું છે. જોકે આ બાબતે તપાસ એજન્સી દ્વારા કોઈ સત્તાવાર વિગતો જાહેર કરી નથી. ઉલ્લેખનીય છે કે ઝુલતાપૂલ દુર્ઘટના પછી ભૂગર્ભમાં ઉતરી ગયેલ જયસુખ પટેલ ક્યારે સામે આવ્યા નથી અને અચાનક જ તેમના વકીલે ગઈકાલે જ મોરબી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે જેની આજે સુનાવણી હતી પરંતુ વકીલોની ગેરહાજરી વચ્ચે પોલીસે મુદત માંગવાની સાથે દુર્ઘટનામાં પીડિત પરિવારોએ વાંધા અરજી કરી પક્ષકાર તરીકે જોડાવા માંગ કરતા હવે આગળની સુનાવણી માટે તા. 1 ફેબ્રુઆરીના રોજ મુદત પડી છે.

(8:49 pm IST)