Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

વૃદ્ધ લોકોને એફડી પર મળતા વ્યાજ પર ટેક્સ લેવાય છે

વરિષ્ઠ નાગરિકો પાસેથી ટેક્સ લેવામાં આવે છેઃટેક્સ લગાવીને સરકારે ૨૭,૦૦૦ કરોડની કમાણી કરી

નવી દિલ્હી, તા.૧૬

દેશના વરિષ્ઠ નાગરિકોની ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ પરના વ્યાજમાંથી સરકારે ટેક્સમાં રૃ. ૨૭,૦૦૦ કરોડથી વધુની કમાણી કરી છે. આ એક સારો આંકડો છે અને અગાઉના આંકડા પ્રમાણે તેમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

સરકારે ગયા નાણાકીય વર્ષમાં ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ પર વરિષ્ઠ નાગરિકો પાસેથી રૃ. ૨૭,૦૦૦ કરોડથી વધુ ટેક્સ વસૂલ્યો છે. દેશની સૌથી મોટી ધિરાણ આપતી SBI રિસર્ચના રિપોર્ટ અનુસાર આ જાણકારી મળી છે.

SBI રિસર્ચનો રિપોર્ટ કહે છે કે છેલ્લા પાંચ વર્ષમાં થાપણોની કુલ રકમ ૧૪૩ ટકા વધીને ૨૦૨૩-૨૪ના અંતે ૩૪ લાખ કરોડ રૃપિયા થઈ ગઈ છે, જ્યારે પાંચ વર્ષ પહેલા તે ૧૪ લાખ કરોડ રૃપિયા હતી. રિપોર્ટ અનુસાર, ફિક્સ્ડ ડિપોઝિટ પર ઊંચા વ્યાજ દરોને કારણે, આ ડિપોઝિટ સ્કીમ વરિષ્ઠ નાગરિકોમાં ખૂબ લોકપ્રિય બની છે. આ સમયગાળા દરમિયાન ફિક્સ ડિપોઝિટ ખાતાઓની કુલ સંખ્યા ૮૧ ટકા વધીને ૭.૪ કરોડ થઈ ગઈ છે.SBIના સંશોધનનો અંદાજ છે કે આમાંથી ૭.૩ કરોડ ખાતામાં ૧૫ લાખ રૃપિયાથી વધુની રકમ જમા છે. આ થાપણો પર ૭.૫ ટકા વ્યાજના અંદાજને ધ્યાનમાં રાખીને, વરિષ્ઠ નાગરિકોએ ગયા નાણાકીય વર્ષમાં માત્ર વ્યાજના રૃપમાં રૃ. ૨.૭ લાખ કરોડની કમાણી કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેમાં બેંક ડિપોઝિટમાંથી ૨.૫૭ લાખ કરોડ રૃપિયા અને સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાંથી બાકીની રકમ સામેલ છે.

*વરિષ્ઠ નાગરિકો દ્વારા ચૂકવવામાં આવેલ ૧૦ ટકા (સરેરાશ) કર તમામ કેટેગરીમાં સુસંગત છે એમ માનીએ તો, આ સંદર્ભમાં ભારત સરકાર દ્વારા કરની વસૂલાત આશરે રૃ. ૨૭,૧૦૬ કરોડ હશે,* અહેવાલમાં જણાવાયું છે. દેશની ઘણી બેંકો પણ વરિષ્ઠ નાગરિકોને તેમની ફિક્સ ડિપોઝિટ પર ૮.૧ ટકા સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે.

(7:27 pm IST)