Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

અમેરિકાના ઈતિહાસમાં પહેલી વખત પૂર્વ પ્રેસિડન્ટ સામે ક્રિમિનલ કેસ ચાલશે

ડોનાલ્ડ ટ્રમ્પ સામે ક્રિમિનલ કેસ શરૃઃભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સેક્સ સ્કેન્ડલને ઢાંકવા બિઝનેસના રેકોર્ડમાં ચેડા કર્યા હોવાના આરોપો લાગ્યા

વોશિંગ્ટન, તા.૧૬

ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષે ફરી એક વખત પ્રેસિડન્ટની ચૂંટણી લડવાના છે અને દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ બનવાનો ઈરાદો ધરાવે છે, ત્યારે ક્રિમિનલ ટ્રાયલના કારણે તેમની પ્રતિષ્ઠા ખરડાશે તે નક્કી છે. મુશ્કેલી એ છે કે ટ્રમ્પ અત્યારે ચૂંટણીનો પ્રચાર પણ કરે છે અને સાથે સાથે પોતાના કેસ માટે પણ તૈયારી કરવી પડે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે આ કેસમાંથી જજ જુઆન મર્ચેનને હટાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા નથી મળી. જજે જાહેરાત કરી દીધી કે તેઓ આ કેસમાં ચાલુ રહેશે. જજની દીકરી ડેમોક્રેટિક પાર્ટીની રાજકીય કન્સલ્ટન્ટ હતી તેવું જણાવીને ટ્રમ્પે તેમને આ કેસમાંથી હટાવવાનો પ્રયાસ કર્યો હતો જે નિષ્ફળ રહ્યો છે. જજનું એવું કહેવું છે કે તેમની દીકરી ટ્રમ્પના વિરોધીઓ માટે કામ કરતી હોય તેનાથી તેમને કોઈ લેવાદેવા નથી. એટલે કે ટ્રમ્પ સામે તેમનો કોઈ છુપો એજન્ડા નથી.

હવે ટ્રમ્પ સામે કેસ ચલાવવા માટે જ્યુરીને પસંદ કરવામાં આવશે જેમાં લગભગ બે અઠવાડિયાનો સમય લાગી શકે છે. ત્યાર પછી જૂન મહિનામાં ટ્રાયલ શરૃ થઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ બહુ શરમજનક સ્થિતિ હશે કારણ કે તેઓ પોતાના જે ભૂતકાળને દફન કરી દેવા માગતા હતા, તે ભૂતકાળ તેમની સમક્ષ ફરીથી રજુ કરવામાં આવશે. ટ્રમ્પના ભૂતપૂર્વ સાથીદાર માઈકલ કોહેને સ્ટોર્મી ડેનિયલ નામની એક એડલ્ટ સ્ટારને પોતાના સેક્સ સંબંધો અંગે ચૂપ રહેવા માટે ૧.૩૦ લાખ ડોલર ચૂકવ્યા હતા. ટ્રમ્પ અને સ્ટોર્મી વચ્ચે એક દાયકા અગાઉ જાતીય સંબંધો હતા અને તેના વિશે ચૂપ રહેવા માટે તેને તગડી રકમ ચૂકવવામાં આવી હતી. ટ્રમ્પે પોતાની સામેના આરોપો નકારી કાઢ્યા છે.

ટ્રમ્પને અગાઉ આ કેસના સાક્ષીઓ વિશે કોઈ પણ ટિપ્પણી કરવાની ના પાડવામાં આવી હતી. છતાં ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી હતી. તેના કારણે તેમને ૩૦૦૦ ડોલરનો દંડ કરવા પ્રોસિક્યુટરે જજને વિનંતી કરી હતી. ગયા અઠવાડિયે ટ્રમ્પે સ્ટોર્મી ડેનિયલ અને માઈકલ કોહેન સામે પણ આરોપો કર્યા હતા.

હવે ટ્રમ્પ સામે કેસ ચલાવવા માટે ૧૨ સભ્યોની જ્યુરી પસંદ કરવામાં આવશે. ટ્રમ્પ સામે કુલ ચાર ક્રિમિનલ કેસ થવાના છે જેમાંથી આ કેસ સૌથી ઓછો ગંભીર ગણવામાં આવે છે. પરંતુ આ એવો કેસ છે જે પાંચમી નવેમ્બરે પ્રેસિડન્ટની ચૂંટણી થાય તે અગાઉ શરૃ થશે, જ્યારે બાકીના કેસ ઈલેક્શન પછી શરૃ થવાના છે. ટ્રમ્પ આ કેસમાં દોષિત થશે તો તેઓ પ્રેસિડન્ટ તરીકે હોદ્દો તો સંભાળી શકે, પરંતુ ચૂંટણીમાં જ તેઓ હારી જાય તેવી શક્યતા વધારે છે.

અમેરિકન પ્રેસિડન્ટ રહી ચૂકેલા ટ્રમ્પ બોલવામાં પણ ભાન નહોતા રાખતા તેવું કહેવાય છે. ૨૦૦૫માં તેઓ એવું બોલી ગયેલા કે મહિલાઓને પૂછ્યા વગર તેમને મન ફાવે તેમ પકડી લેવી જોઈએ. આ વાતચીતના રેકોર્ડિંગ પણ હાજર છે. જોકે, કોર્ટમાં આ રેકોર્ડિંગ પ્લે કરવામાં નહીં આવે. ૨૦૧૬માં ટ્રમ્પ ચૂંટણી પ્રચારના ફાઈનલ સ્ટેજમાં હતા ત્યારે આ રેકોર્ડિંગ જાહેર થયા હતા.

(7:26 pm IST)