Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

બાબા રામદેવ અને બાલકૃષ્‍ણને એક સપ્‍તાહની અંદર જાહેરમાં માફી માગવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ

પતંજલિની ભ્રામક જાહેરાતો મામલે કોર્ટે ફરી લગાવી ફટકાર : માફી આપવાનો કોર્ટનો ઇન્‍કાર : વધુ સુનાવણી ૨૩ એપ્રિલે

નવી દિલ્‍હી તા. ૧૬ : યોગ ગુરૂ રામદેવને એલોપેથી (અંગ્રેજી દવાઓ) વિરૂદ્ધ પતંજલિની કથિત ભ્રામક જાહેરાતના કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. પતંજલિ ભ્રામક જાહેરાત કેસમાં સુપ્રીમ કોર્ટે આજે પણ બાબા રામદેવને માફ કરવાનો ઇનકાર કર્યો હતો અને ફરી એકવાર તેમને ૨૩ એપ્રિલે હાજર થવાનો આદેશ આપ્‍યો હતો. રામદેવ તેમના સહયોગી બાલકૃષ્‍ણ સાથે સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા અને ત્‍યારબાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે હજુ સુધી માફ કર્યા નથી.

વાસ્‍તવમાં, યોગ ગુરુ રામદેવ સુપ્રીમ કોર્ટ પહોંચ્‍યા અને સુપ્રીમ કોર્ટમાં માફી માંગી, પરંતુ કોર્ટે તેમને માફ કરવાનો ઇનકાર કર્યો. જસ્‍ટિસ હિમા કોહલીએ બાબા રામદેવને કહ્યું, ‘બાબા રામદેવજી તમે જે પણ કર્યું છે, શું અમે તમને માફ કરીએ? શું તમે જાણો છો કે તમે શું કર્યું?' આના પર રામદેવે કહ્યું કે અમે જે ભૂલ કરી છે તેના માટે અમે માફી માંગી છે. અમે હજુ પણ માફી માંગીએ છીએ.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન રામદેવે ફરીથી કહ્યું કે અમે માફી માંગીએ છીએ અને ભવિષ્‍યમાં આનું ૧૦૦% ધ્‍યાન રાખીશું અને તેનું પુનરાવર્તન નહીં થાય. તેના પર કોર્ટે કહ્યું, ‘અમે હજુ સુધી અમારૂં મન બનાવ્‍યું નથી કે તમને માફ કરીશું કે નહીં... તમે એક નહીં પરંતુ ત્રણ વખત ઉલ્લંઘન કર્યું છે. આવી વાત ન કરો. તમારા વલણ પરથી એવું લાગતું નથી. અમે આદેશ જારી કરીશું. અમે ૨૩ એપ્રિલે કેસની સુનાવણી કરીશું અને બંનેને ફરીથી હાજર થવું પડશે.

અગાઉની સુનાવણીમાં, સુપ્રીમ કોર્ટે યોગ ગુરૂ રામદેવ અને પતંજલિ આયુર્વેદના આચાર્ય બાલકૃષ્‍ણની એફિડેવિટ સ્‍વીકારવાનો ઇનકાર કર્યો હતો, જેમાં તેઓએ ભ્રામક' જાહેરાતો પ્રકાશિત કરવા બદલ બિનશરતી માફી માંગી હતી. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા બે અલગ-અલગ સોગંદનામામાં, રામદેવ અને બાલકૃષ્‍ણએ ગયા વર્ષે ૨૧ નવેમ્‍બરના સુપ્રીમ કોર્ટના આદેશમાં નોંધાયેલા નિવેદનના ઉલ્લંઘન' માટે બિનશરતી માફી માંગી હતી

(3:39 pm IST)