Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

શક્‍તિ પ્રદર્શન રૂપાલાની ઉમેદવારીઃ વિજયનો વિશ્વાસ

જાગનાથ મંદિરમાં રેલી-પદયાત્રા સ્‍વરૂપે બહુમાળી ભવન સુધી છવાયો કેસરીયો માહોલઃ ટેકેદારોમાં કેસરીદેવસિંહ ઝાલા - વિજયભાઇ રૂપાણી - ભાનુબેન બાબરિયા - કુંવરજીભાઇ બાવળિયા ખાસ ઉપસ્‍થિત :ડમી તરીકે મોહનભાઇ કુંડારીયાએ ફોર્મ ભર્યુ : તેમાં મુકેશ દોશી - ઉદય કાનગડ - નરેન્‍દ્રસિંહ ઝાલા - હરેશ હેરભા ખાસ જોડાયા : પરસોતમભાઇએ ૧ાા કલાક વહેલુ ફોર્મ ભર્યુ : ૧૨.૩૯ને બદલે ૧૧.૨૦ કલાકે ફોર્મ રજૂ કર્યું :ઇલેકટ્રોનિક મિડીયાના વિડીયોગ્રાફર - પત્રકારો કલેકટરની ચેમ્‍બરમાં અંદર જઇ નહિ શકતા લોબીમાં ભારે ધમાલ : પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું :પરસોતમભાઇ ફોર્મ ભરવા આવ્‍યા ત્‍યારે વધુ ટેકેદારો આવતા કલેકટરની ટકોર : ૪થી વધુ નહિ : પરીણામે રામભાઇ - ભરતભાઇ ચેમ્‍બર બહાર ચાલ્‍યા ગયા

ભાજપના દિગ્‍ગજ નેતાઓની હાજરીમાં રૂપાલાએ ઉમેદવારી પત્ર ભર્યુ તે સમયની તસ્‍વીર. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા) : રાજકોટ : રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોષી સમક્ષ ભાજપ ઉમેદવાર શ્રી પરસોતમભાઇ રૂપાલાએ ફોર્મ રજૂ કર્યું તે નજરે પડે છે. સાથે મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા, ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, મંત્રીશ્રી ભાનુબેન બાબરિયા, ધારાસભ્‍ય શ્રી ઉદય કાનગડ નજરે પડે છે. બીજી તસ્‍વીરમાં પરસોતમભાઇ પોતાના પી.એસ. વિનય પાઠક પાસેથી વિગતો લેતા, નીચેની તસ્‍વીરમાં લોબીમાં વિજયભાઇ સાથે પરસોતમભાઇ આવી પહોંચ્‍યા તે તથા છેલ્લી તસ્‍વીરમાં આગેવાનો ચર્ચા કરતા જણાય છે. (તસ્‍વીર : સંદીપ બગથરિયા)

 રાજકોટ તા. ૧૬ : લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાની ૯૪ બેઠકો માટે ઉમેદવારી પત્રો રજુ કરવાની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. ગુજરાતની ૨૬ બેઠકો માટે ૭ જુને મતદાન છે. તા. ૧૨ થી ૧૯ એપ્રિલ ઉમેદવારી પત્રો રજુ કરવાનો સમય છે. ત્‍યારે આજે રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તા અને ખેડૂત આગેવાન પરશોતમભાઇ રૂપાલા આજે બપોરે ૧૧.૨૦ કલાકે  રીટનીંગ ઓફીસર અને કલેકટર શ્રી પ્રભવ જોશી સમક્ષ તેમનું નામાંકન ભર્યુ હતુ. નામાંકન દિવસે રાજકોટ કમળમય બનશે. ભાજપના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્‍સાહ જોવા મળે છે. રાજકોટમાં સર્વત્ર કેસરીયો માહોલ છવાયો હતો.  આ નામાંકન પત્ર પૂર્વે સવારે ૯:૦૦ કલાકે રાજકોટના જાગનાથ મંદિર ખાતેથી રેલી-પદયાત્રા પ્રારંભ થઈ બહુમાળી ભવન ચોક સુધી  અનોખુ આયોજન કરવામાં આવેલ હતું. બહુમાળી ભવન ચોક ખાતે પરશોતમભાઈ રૂપાલાજીના સમર્થનમાં શહેર ભાજપ દ્વારા અદકેરૂ અભિવાદન કરવામાં આવેલ. જેમાં બહુમાળી ભવન ખાતે ડી.જે- બેન્‍ડની સુરાવલિઓ, નાસિક બેન્‍ડ, ઢોલ-નગારા, આતશબાજી, રાસગરબા મંડળી, પાર્ટીનો કેસરીયો ઘ્‍વજ થકી કેસરીયો માહોલ સર્જાયો હતો.  આ તકે ૧ હજારથી વધુ મહિલાઓ અને વિવિધ સમાજ-જ્ઞાતિના સમાજના આગેવાનો-પ્રતિનિધિઓ હજારોની સંખ્‍યામાં જોડાયા હતા. આ રેલી જાગનાથ મંદિરેથી પ્રારંભ થઈ બહુમાળી ભવન ચોક ખાતે સમાપન થઇ હતી.

 બહુમાળી ભવન ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને ફુલહાર કરી પરશોતમભાઈ રૂપાલાએ ‘વિજય વિશ્‍વાસ' સંમેલનને સંબોધન કર્યુ હતુ.  આ તકે પ્રદેશ ભાજપ અગ્રણીઓએ સંબોધન કર્યુ હતુ.  આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના આગેવાનો, સાંસદો, ધારાસભ્‍યો, શહેરના હોદેદારો, તમામ વોર્ડ સંગઠનના કાર્યકર્તાઓ, વિવિધ સમાજના આગેવાનો, સામાજિક-શૈક્ષણીક-સેવાકીય, એનજીઓના આગેવાનો, શહેરીજનો વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

આ સભા બાદ રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશોતમભાઇ રૂપાલાએ ે સવારે ૧૧.૨૦  રીટનીંગ ઓફીસર અને કલેકટર શ્રી પ્રભવ જોશી સમક્ષ તેમનું ઉમેદવારી પત્રક ભર્યુ હતુ. તેમના ટેકેદારો તરીકે પુર્વ મુખ્‍યમંત્રી તરીકે વિજયભાઇ રૂપાણી, કેબીનેટ મંત્રીઓ  ભાનુબેન બાબરીયા અને કુંવરજીભાઇ બાવળીયા, રાજ્‍યસભાના સભ્‍ય કેસરીદેવસિંહ ઝાલા તથા પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ભરત બોધરા સાથે રહ્યા હતા.

આ ઉપરાંત ડમી તરીકે સાસંદ મોહનભાઇ કુંડારીયાએ ફોર્મ રજુ કર્યુ હતુ. તેમના ટેકેદારો તરીકે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, ધારાસભ્‍ય ઉદય કાનગડ, નરેન્‍દ્રસિંહ ઝાલા, હરેશ હેરભા સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

પરસોતમભાઇના ટેકામાં આગેવાનો આવ્‍યા પરંતુ તેમના ટેકામાં ફોર્મના અન્‍ય ૪ સેટ ધારાસભ્‍યો ઉદય કાનગડ, રમેશભાઇ ટીલાળા, કુંવરજીભાઇ બાવળીયા તથા કેશરીદેવસિંહ ઝાલાએ રજૂ કર્યા હતા.

તો મોહનભાઇ કુંડારીયાના ડમી ફોર્મમાં ટેકામાં ૪ સેટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, નરેન્‍દ્રસિંહ ઝાલા, હરેશભાઇ હેરભા તથા ધનસુખભાઇ ભંડેરીએ રજૂ કરેલ. જો કે અકળ કારણોસર ધનસુખ ભંડેરી હાજર રહી શકયા ન હતા.

આજે પરસોતમભાઇ રૂપાલા ફોર્મ ભરવા આવ્‍યા ત્‍યારે તેમની સાથે અન્‍ય કુલ ૪ આગેવાનો કલેકટરની ચેમ્‍બરમાં આવતા, રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોષીએ ટકોર કરી હતી કે ઉમેદવાર સાથે ૪થી વધુ નહિ, પરીણામે સાંસદ શ્રી રામભાઇ મોકરીયા અને ભાજપ અગ્રણી કલેકટરની ચેમ્‍બર બહાર નીકળી ગયા હતા.

આજે ફોર્મ ભરવા સમયે મિડીયાજગત કવરેજ માટે ઉમેટી પડયું હતું, તેમાં માતબર ચેનલોના વિડીયોગ્રાફરો - ફોટોગ્રાફરો તથા પત્રકારો કલેકટરની ચેમ્‍બર બહાર રહી જતા અને આ લોકોને પોલીસે રોકી લેતા, લોબીમાં ભારે ધમાલ થઇ હતી, ડીસીપી શ્રી સુધીર દેસાઇ, શ્રી સજ્જનસિંહ પરમાર તથા એસીપી શ્રી પઠાણ સાથે કેમેરામેન - પત્રકારોને ભારે ઘર્ષણ થયું હતું, પરંતુ પોલીસ અધિકારીઓએ સંયમતાથી કામ લેતા મામલો થાળે પડયો હતો.

ભાજપ ઉમેદવારે આજે ૧ાા કલાક વહેલુ ફોર્મ રજૂ કર્યું, હતું. ૧૨.૩૦ને બદલે ૧૧.૨૦ કલાકે કલેકટર સમક્ષ ફોર્મ રજૂ કરી શપથ લઇ રવાના થયા હતા.

(3:13 pm IST)