Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

સોનામાં પુનઃ તેજીઃ ૮૦૦ રૂ.ના ઉછાળા સાથે ૭પ,૮૦૦ રૂ.ની નવી સપાટી બનાવી

રાજકોટ, તા,.૧૬ : સોનામાં આજે ફરી તેજી જોવા મળી હતી અને ૮૦૦ રૂ.ના ઉછાળા સાથે ૭પ,૮૦૦ની રૂ.નવી ઐતિહાસિક સપાટી બનાવી હતી.

બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં આજે વધુ ૮૦૦ રૂપીયાનો ઉછાળો થતા સોનાના ભાવે નવી ટોચની સપાટી બનાવી હતી. ગઇકાલે રાત્રે સોનુ સ્‍ટાન્નર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૭પ૦૦૦ રૂ. હતા તે વધીને આજે બપોરે ૭પ૮૦૦ થયા હતા.  સોનાના બિસ્‍કીટમાં એક જ ઝાટકે ૮૦૦૦ રૂપીયાનો ભાવ વધારો થયો હતો.  સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૭પ૦૦૦૦ રૂપીયા હતા તે વધીને ૭પ૮૦૦૦ રૂપીયાની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

ચાંદીના ભાવમાં આજે બપોર સુધી કોઇ વધ-ઘટ નહતી ચાંદી ચોરસા (૧ કીલો)ના ભાવ ૮પપ૦૦ રૂા. હતા .

 ઇરાન અને ઇઝરાયેલ વચ્‍ચે યુધ્‍ધના ભણકારા વચ્‍ચે સોના-ચાંદીના ભાવોમાં તેજીને પગલે રોજબરોજ નવી ભાવ સપાટી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં હજુ પણ નવી ભાવ સપાટી જોવા મળે તેવી વકી છે તેમ ઝવેરીબજારના સુત્રોએ જણાવ્‍યું હતું.

(2:57 pm IST)