Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

મોદી સહિત ૨૨ પૂર્વ મુખ્‍યમંત્રીઓ લડી રહ્યા છે લોકસભા ચૂંટણી

ભાજપના ૧૧ જયારે કોંગ્રેસના ૫ પૂર્વ સીએમ સામેલ

નવી દિલ્‍હી, તા.૧૬: સાત તબક્કાની લોકસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ૧૮મી લોકસભા માટે દેશના સેંકડો નેતાઓ પોતાનું રાજકીય નસીબ અજમાવી રહ્યા છે. જેમાં વડાપ્રધાન મોદી સહિત ૨૨ પૂર્વ મુખ્‍યમંત્રીઓ મેદાનમાં છે. ચાલો જાણીએ કયા નેતા કયાંથી ચૂંટણી લડી રહ્યા છે.

લોકસભા ૨૦૨૪ની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ત્રણ દિવસ બાદ ૧૯મી એપ્રેલિ થવાનું છે ત્‍યારે દરેક રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી સહિત શિવરાજ સિંહ ચૌહાણ, દિગ્‍વિજય સિંહ, ઓમર અબ્‍દુલ્લા, ગુલામ નબી આઝાદ, એચડી કુમારસ્‍વામી, ચરણજીત સિંહ ચન્ની, જીતન રામ માંઝી, ભૂપેશ બઘેલ, મનોહર લાલ ખટ્ટર અને બિપ્‍લબ કુમાર સહિત ૨૨ પૂર્વ મુખ્‍યમંત્રીઓ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે જેમાંથી ભાજપના ૧૧ જ્‍યારે કોંગ્રેસના ૫ સામેલ છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી ૨૦૦૧ થી ૨૦૧૪ સુધી ગુજરાતના મુખ્‍યમંત્રી હતા. હાલમાં તેઓ ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. આ પછી રાજનાથ સિંહ ૨૦૦૦થી ૨૦૦૨ સુધી ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રી હતા. તેઓ આ વખતે લખનઉથી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. મધ્‍યપ્રદેશના પૂર્વ મુખ્‍યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ વિદિશા સંસદીય બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જ્‍યારે હરિયાણાના પૂર્વ મુખ્‍યમંત્રી  મનોહર લાલ ખટ્ટર કરનાલ સંસદીય ક્ષેત્રથી પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત અર્જુન મુંડા ઝારખંડની ખુંટી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ ૨૦૦૩થી ૨૦૦૬ અને ફરીથી ૨૦૧૦થી ૨૦૧૩ સુધી ઝારખંડના મુખ્‍યમંત્રી રહ્યા હતા.

આ ઉપરાંત જગદીશ શેટ્ટર બેલગામ બેઠક પરથી જ્‍યારે બસવરાજ બોમાઈ હાવેરીથી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ સિવાય ભાજપે ત્રિવેન્‍દ્ર સિંહ રાવતને ઉત્તરાખંડના હરિદ્વારથી ટિકિટ આપી છે. તો એચડી કુમારસ્‍વામી માંડ્‍યા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. નોંધનીય છે કે કર્ણાટકમાં ભાજપપ્રજેડીએસનું ગઠબંધન છે. નલ્લારી કિરણ કુમાર રેડ્ડી આંધ્ર પ્રદેશના રાજમપેટથી ચૂંટણી લડી રહ્યા છે. જ્‍યારે સર્બાનંદ સોનોવાલ ડિબ્રુગઢથી બેઠક પરથી ઉભા રહ્યા છે.

બિપ્‍લબ કુમાર દેબ ભાજપની ટિકિટ પર ત્રિપુરા પશ્‍ચિમ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત ઓ પનીરસેલ્‍વમ (ભાજપ સમર્થિત સ્‍વતંત્ર) તમિલનાડુના રામનાથપુરમથી ચૂંટણી લડી રહ્યા છે. જીતન રામ માંઝીને ગયા બેઠક પરથી ઉભા રાખ્‍યા છે. ઉલ્લેખનીય છે કે માંઝીની પાર્ટીનું ભાજપ સાથે ગઠબંધન છે. આ લિસ્‍ટમાં કોંગ્રેસના દિગ્‍વિજય સિંહ પણ ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય કોંગ્રેસના ભૂપેશ બઘેલ રાજનાંદગાંવ, ઓમર અબ્‍દુલ્લા બારામુલાથી, મહેબૂબા મુફ્‌તી અનંતનાગપ્રરાજૌરીથી, ચરણજીત સિંહ ચન્ની જલંધરથી, ગુલામ નબી આઝાદ અનંતનાગપ્રરાજૌરીથી, વી વૈથિલિંગમ પુડુચેરી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

નોંધનીય છે કે ૧૮મી લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં ૧૯ એપ્રિલ, ૨૬ એપ્રિલ, ૭ મે, ૧૩ મે, ૨૦ મે, ૨૫ મે અને ૧ જૂનના રોજ યોજાશે. ચૂંટણીનું પરિણામ ચોથી જૂને જાહેર થશે. કેન્‍દ્રમાં સરકાર બનાવવા માટે, પાર્ટી અથવા ગઠબંધનને ૨૭૨ બેઠકો જીતવી આવશ્‍યક છે. ૨૦૧૯માં છેલ્લી ચૂંટણીઓમાં, ભારતીય જનતા પાર્ટી (BJP)એ ૩૦૩ બેઠકો જીતી હતી, જ્‍યારે મુખ્‍ય વિરોધ પક્ષ કોંગ્રેસે ૫૨ બેઠકો જીતી હતી.

(11:21 am IST)