Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

સરકાર સાથેની ‘લેઇટ નાઇટ' બેઠક અનિર્ણિત : સર્વત્ર સવાલ હવે શું ?

રૂપાલા મામલે ક્ષત્રિયો ન ઝુકયા : સરકાર સાથેની બેઠક નિષ્‍ફળ

ક્ષત્રિય સમાજની એક જ માંગણી... સરકાર કે પક્ષ સામે કોઇ વાંધો નથીઃ રૂપાલાને ટિકિટ નહિ જ : બે દિવસમાં ફરી બેઠક યોજાશે : રાજકોટથી રૂપાલાએ નોંધાવી ઉમેદવારી : ક્ષત્રિયોએ આંદોલન પાર્ટ-ટુની આપી ચીમકી : સરકાર તરફે મુખ્‍યમંત્રી - ગૃહ રાજયમંત્રી-પ્રદેશ પ્રમુખ હાજર રહ્યા

અમદાવાદ, તા.૧૬: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્‍દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ઉભો થયો રોષ ટાઢો પાડવા અને કોઇ સુખદ સમાધાન કરવા સરકાર અને ક્ષત્રિય આગેવાનો વચ્‍ચે ગઇકાલે યોજાયેલી ‘લેઇટ નાઇટ મંત્રણા'નું કોઇ પરિણામ આવ્‍યુ નથી. ક્ષત્રિયો પોતાની માંગણી પરત્‍વે મકકમ રહ્યા છે - હતાં અને એકસુરમાં જણાવ્‍યુ હતું કે, પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે.

આમ, બેઠકમાં કોઈ સમાધાન ન આવતા બે દિવસમા પાછા બેઠક માટે મળવાની વાત બંને પક્ષ થઈ છે.જેમાં ગુજરાત સરકારે ક્ષત્રિય આગેવાનોને ભોજન સાથે બેઠકનું આમંત્રણ આપ્‍યું છે.

ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક પરથી હટાવવા મક્કમ છે. રાજપૂતોને મનાવવા ગુજરાત સરકારે મોડી રાતે બે વાગ્‍યા સુધી ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ગાંધીનગરમાં બેઠક કરી હતી. પરંતુ ક્ષત્રિયોએ સમાધાન ન કર્યું. અઢી કલાક સરકાર અને ક્ષત્રિય સંકલન સમિતિની બેઠકમાં ચર્ચાઓ થઈ હતી. પણ પરિણામ આવ્‍યુ ન્‍હોતું.

રાજપૂત સંકલન સમિતિના સભ્‍યોએ જણાવ્‍યુ કે, ‘અમારી કોર કમિટીની મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, પ્રદેશ અધ્‍યક્ષ સી. આર પાટીલ અને ગળહમંત્રી હર્ષ સંઘવી સાથે મિટીંગ કરવામાં આવી છે. તેમણે અમને કહ્યુ કે, રૂપાલાજીએ ત્રણવાર માફી માંગી છે. તમે અત્‍યાર સુધી ઘણો જ સંયમ રાખ્‍યો છે. તમે વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા તેમ છતાં તમારું આંદોલન સંયમિત રહ્યુ છે. તેમણે એમ પણ કહ્યુ કે, સરકારે પણ તમને સહયોગ આપ્‍યો છે. અમે સરકારના સહયોગ બદલ તેમનો આભાર પણ માન્‍યો છે. આ સામે અમે જણાવ્‍યુ હતુ કે, સંપૂર્ણ ક્ષત્રિય સમાજ અને તેની  સાથે જોડાયેલા અન્‍ય સમાજની એક જ માંગણી છે કે, પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે. જો અલ્‍ટિમેટમ સુધીમાં માગ પુરી નહીં થાય તો આંદોલન પાર્ટ ૨ કરવામાં આવશે.'આ અંગે વધુ માહિતી આપતા જણાવ્‍યુ કે, ‘તો આ માંગણીના જવાબમાં ગુજરાત સરકારે જવાબ આપ્‍યો કે, તમે આ અંગે ફરીથી વિચારી લો. તમારી જે લાગણી છે તે અમે હાઇકમાન્‍ડ સુધી પહોંચાડીશું. આ સાથે જણાવ્‍યુ કે, એટલે હવે આ સરકારનો વિષય છે. પરશોત્તમ રૂપાલા મુદ્દે કોઇપણ સમાધાન કરવામાં આવ્‍યું નથી કે કરવામાં આવશે નહીં.'

પ્રાપ્ત માહિતી અનુસાર, સરકાર ક્ષત્રિય સમાજને મનાવવા માટે સંપૂર્ણ તૈયાર છે. ક્ષત્રિય સમાજ કહે તે પ્રમાણે માફી મંગાવવા પણ તૈયાર છે. ધર્મગુરૂ સમક્ષ માફી મંગાવવા સરકારે તૈયારી બતાવી છે. પરંતુ બીજી તરફ, ક્ષત્રિય સમાજે સરકાર સામે માંગણી કરી હતી કે, સરકાર સાથે કોઇ પણ દુશ્‍મની સાથે કે નથી પક્ષ સામે, અમારી માત્ર એક જ માગણી રૂપાલાને ટિકિટ નહિ. તેમના પરિવારને ટિકિટ આપશો તો પણ વાંધો નહિ. આમ, બેઠકમાં કોઈ સમાધાન ન આવતા બે દિવસમા પાછા બેઠક માટે મળવાની વાત બંને પક્ષ થઈ છે. જેમાં ગુજરાત સરકારે ક્ષત્રિય આગેવાનોને ભોજન સાથે બેઠકનું આમંત્રણ આપ્‍યું છે.

ગાંધીનગરમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલ, ગળહ મંત્રી હર્ષ સંઘવીને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને મળ્‍યા પછી પણ ક્ષત્રિય સંકલન સમિતિ પોતાના નિર્ણય ઉપર મક્કમ છે. હાલ ક્ષત્રિયોએ સરકાર સામે નહિ ઝૂકવાનું નક્કી કરી લીધું છે. સંકલન સમિતિએ સરકાર સામે એક જ માંગણી કરી કે, પુરુસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય. સરકાર સાથે બેઠક બાદ ક્ષત્રિયોએ અમદાવાદના ગોતા વિસ્‍તારમાં અલગથી મીટિંગ કરી હતી. જે મોડી રાતે ૨ વાગ્‍યા બાદ શરૂ થઈ હતી, અને મોડી રાત સુધી ચાલી હતી. આ બેઠકમાં પણ ગુજરાત રાજ્‍યની રાજપૂત સંસ્‍થાઓની સંકલન સમિતિની કોર કમિટી ટીમ હાજર રહી હતી.

ક્ષત્રિયોની મીટિંગમાં કોણ કોણ હાજર રહ્યું

પ્રમુખઃ ગોવુંભા જાડેજા (દાદા) જામનગર

૧) વાસુદેવસિંહ ગોહીલ (પ્રમુખ, ગોહિલવાડ ક્ષત્રિય સમાજ)

૨) કરણસિંહ ચાવડા (પ્રમુખ, રાજપૂત ક્ષત્રિય સભા)

૩) પ્રદ્યુમનસિંહ જાડેજા (પ્રમુખ, કચ્‍છ કાઠિયાવાડ રાજપૂત સમાજ - સુરત)

૪) રમજુભાં જાડેજા ( મુખ્‍ય કનવીનર - રાજપૂત સંકલન સમિતિ)

૫) વિરમદેવસિંહ ચૂડાસમા (પ્રમુખ, ચુડાસમા રાજપૂત સમાજ)

૬) અશ્વિનસિંહ સરવૈયા (પ્રમુખ, રાજપૂત વિદ્યાસભા - અમદાવાદ)

૭)  ડો. રુદ્રદત્તસિંહ ઝાલા (પ્રમુખ, ઝાલાવાડ રાજપૂત સમાજ)

૮) વીરભદ્રસિંહ જાડેજા (પ્રમુખ, રાજપૂત કરણી સેના - ગુજરાત)

૯) વિજયસિંહ ચાવડા (પ્રમુખ, મહાકાલ સેના - ગુજરાત)

૧૦) પી. ટી. જાડેજા (અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ)

૧૧) મદનસિંહ અટોદરિયા (પ્રમુખ, રાજપૂત ક્ષત્રિય સમાજ - સુરત)

૧૨) જયદેવસિંહ વાઘેલા ( રાજપૂત યુવા ક્‍લબ - ગુજરાત)

૧૩) વીસુભા ઝાલા (પ્રમુખ - ગુજરાત રાજપૂત યુવા સંઘ)

૧૪) કિશોરસિંહ ઝાલા (પ્રમુખ, ક્ષત્રિય અસ્‍મિતા મંચ)

૧૫) સુખદેવસિંહ વાઘેલા (સહ કનવિનર - રાજપૂત સંકલન સમિતિ)

૧૬) સુરેન્‍દ્રસિંહ જાડેજા ( પ્રમુખ, રાજપૂત યુવા સંકલન સમિતિ)

૧૭) તળપ્તિબા રાઓલ (પ્રમુખ, રાજપૂત મહિલા સંકલન સમિતિ) ગુજરાત સરકારે ક્ષત્રિય આગેવાનોને ભોજન સાથે બેઠકનું આમંત્રણ આપ્‍યું છે.

(11:16 am IST)