Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

વર્ષ ૨૦૧૯-૨૦ના વર્ષના કેસની નોટિસ ૩૦ એપ્રિલ સુધી આપવાનો નિયમ

એપ્રિલ પહેલાં જીએસટી સ્‍ક્રૂટિની નોટિસ આપવા વિભાગની તજવીજ

માર્ચમાં આપેલી નોટિસમાં ભૂલ હોવાની ફરિયાદ બાદ અગાઉથી કાર્યવાહી કરી

નવી દિલ્‍હી,તા. ૧૬: જીએસટીમાં એસેસમેન્‍ટ કરીને વેપારીઓને નોટિસ આપવા માટેની કાર્યવાહી લગભગ પૂર્ણતાના આરે છે. જેથી આગામી થોડા દિવસોમાં વેપારીઓને ધડાધડ નોટિસ આપવામાં આવશે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના વર્ષના કેસની સ્‍ક્રુટિની કરીને તેની નોટિસ એપ્રિલ ૩૦ પહેલા આપી દેવા માટે અલ્‍ટિમેટમ આપવામાં આવ્‍યુ હોવાથી વિભાગ દ્વારા નોટિસ તો તૈયાર કરી દેવામાં આવી છે.

જીએસટી પોર્ટલ પર રહેલા ડેટાના આધારે વિભાગ દ્વારા સ્‍ક્રૂટિની કાર્યવાહી કરી છે. તેમાં કરદાતા દ્વારા ખોટી રીતે ક્રેડિટ લીધી હોય, વધારાની ક્રેડિટ લીધી હોય, ડેટા મિસમેચ હોય તે સહિતની બાબતોના આધારે નોટિસ તૈયાર કરી દેવામાં આવી છે. આ તમામ નોટિસની ખરાઇ અધિકારીઓ દ્વારા કરીને કરદાતાઓને મોકલવામાં આવનાર છે. જોકે માર્ચ મહિનામાં કરદાતાઓને જે નોટિસ આપવામાં આવી તેમાં અનેક ફરિયાદો ઉઠયા બાદ એપ્રિલ માસમાં વેપારીઓને નોટિસ મોકલતા પહેલા થોડી તકેદારી રાખવાનો પણ નિર્ણય કર્યો છે. તેના પરિણામ સ્‍વરૂપે જ નોટિસ આપવાની છેલ્લી તારીખના ૧૫ દિવસ પહેલા જ તૈયાર કરી દેવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે. જેથી આગામી થોડા દિવસોમાં વેપારીઓને નોટિસ આપીને તેનો ખુલાસો પુછવામાં આવશે. જો વેપારીઓ દ્વારા તેનો યોગ્‍ય રીતે ખુલાસો કરવામાં નહીં આવે તો અધિકારીઓ દ્વારા પોતાની રતે કાર્યવાહી પણ કરશે. કારણ કે કેટલીક વખત એવું પણ બહાર આવ્‍યુ છે કે વેપારીઓને વખતો વખત જવાબ આપવા માટે તાકીદ કરવામાં આવી હોવા છતાં તેઓ દ્વારા સમયસર જવાબ લખાવવામાં આવતો નથી. તેમજ કેટલીક વખત પુરાવા પણ રજુ કરવામાં આવતા નથી. ત્‍યારબાદ અધિકારીઓ દ્વારા ખોટી રીતે કાર્યવાહી કરી હોવાની ફરિયાદ કરતા હોય છે. આવી તમામ બાબતોને ધ્‍યાને રાખીને જીએસટીના અધિકારીઓ સાવચેતીથી આગળ વધી રહ્યા છે. જોકે નોટિસ આપ્‍યા બાદ તેમાં કોઇ ખામી હશે તો ફરી પાછા વેપારીઓ દ્વારા તેની ફરિયાદ કરે તો પણ નવાઇ નહીં.

(10:50 am IST)