Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

મુંબઇ ક્રાઇમ બ્રાન્‍ચને મળી મોટી સફળતા

સલમાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બંને આરોપી ભુજથી ઝડપાયા

બંને આરોપીઓ સીસીટીવીમાં બાઇક પર હેલમેટ પહેરી દેખાયા હતાઃ આરોપીઓ નવી મુંબઇના પનવેલ વિસ્‍તારમાં લગભગ એક મહિનાથી ભાડાના મકાનમાં રહેતા હતા

મુંબઈ,તા. ૧૬: બોલિવૂડ એક્‍ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવાના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્‍ચ અને ભુજ પોલીસને મોટી સફળતા મળી છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચે બંને આરોપીઓને ભુજમાંથી માતાના મઢ પાસેથી પકડ્‍યા છે. પોલીસની અનેક ટીમો આરોપીઓને શોધી રહી હતી. આખરે વિકી ગુપ્તા, સૂરજ પાલ નામના બંને આરોપીઓ ગુજરાતમાંથી ઝડપીને તેમને મુંબઈ લઇ જવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે, મુંબઈ પોલીસના ઉચ્‍ચ અધિકારીઓના મતે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર આ જ બંને આરોપીઓ હતા.  આ આરોપીઓ સીસીટીવીમાં બાઈક પર હેલમેટ પહેરી દેખાયા હતા. બંનેએ ઘટનાને અંજામ આપવા માટે જૂની બાઈક રાયગઢથી ખરીદી હતી.

મળતી માહિતી મુજબ મુંબઈ ક્રાઈમ બ્રાન્‍ચ મંગળવારે સવારે બંને આરોપીઓને લઈને રવાના થઇ છે. બંનેની મુંબઈમાં પૂછપરછ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, રવિવારે અભિનેતા સલમાનના ઘરની બહાર બાઇક સવાર બે લોકોએ ફાયરિંગ કર્યુ હતુ. આ પછી તેઓ ભાગી ગયા હતા. આ કેસમાં ગેંગસ્‍ટર લોરેન્‍સ બિશ્નોઈ સાથે જોડાયેલા લોકોના નામ પણ સામે આવ્‍યા છે.

મહારાષ્ટ્રના બાંદ્રામાં અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બે મોટરસાઇકલ સવાર આરોપીઓ નવી મુંબઈના પનવેલ વિસ્‍તારમાં લગભગ એક મહિનાથી ભાડાના મકાનમાં રહેતા હતા. આ વિસ્‍તારમાં સલમાનનું ફાર્મહાઉસ છે. દિવસ દરમિયાન, પોલીસે ઘટના સંદર્ભે નવી મુંબઈના ત્રણ લોકોની પૂછપરછ કરી હતી, જેમાં ઘરના માલિક, ગુનામાં ઉપયોગમાં લેવાયેલા ટુ-વ્‍હીલરના અગાઉના માલિક, વેચાણની સુવિધા આપનાર એજન્‍ટ અને તપાસના ભાગરૂપે અન્‍ય ઘણા લોકો સામેલ હતા. હવે પોલીસે બંને આરોપીઓની ગુજરાતમાંથી ધરપકડ કરી છે.

આ આરોપીઓએ ઘટનાને અંજામ આપતા પહેલા રાયગઢથી જૂની બાઈક ખરીદી હતી. તે બાઈક લઈ તેઓ મુંબઈ આવ્‍યા અને ફાયરિંગની ઘટનાને અંજામ આપ્‍યો હતો. બાઈક ખરીદી અને વેચાણને લઈ પોલીસ લોકોની પૂછપરછ કરી રહી છે. આરોપીઓ ફાયરિંગ કર્યા બાદ મુંબઈથી બહાર જવાની પ્‍લાનિંગ પહેલાથી જ હોવાનું તપાસમાં બહાર આવ્‍યુ હતુ. બીજી તરફ સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ મામલે રાજકીય હસ્‍તીઓએ પણ સલમાન ખાન અને તેના પરિવાર સાથે મુલાકાત કરી સમગ્ર મામલાની હકીકત જાણી હતી.

(9:58 am IST)