Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

અમેરિકામાં નેવાર્ક ખાતે સંતરામ ભક્તો દ્વારા મહાપૂર્ણિમાં સત્સંગની ભક્તિભાવપૂર્ણ ઉજવણી : 1200થી વધુ ભક્તોની હાજરી

પ.પૂ. શ્રી રામદાસજી મહારાજશ્રીએ બ્રહ્નમુહૂર્તમાં નડિયાદ સંતરામ મંદિરમાંથી વહેલી સુપ્રભાતે સત્સંગમાં પધારેલ 1200થી વધુ ભક્તોને ફોન દ્વારા આશીર્વાદ આપ્યા

દીપતિબેન જાની દ્વારા, ન્યૂજર્સી : અમેરિકાના ન્યુજર્સી રાજયના મુખ્ય શહેર Newark માં તાજેતરમાં એપ્રિલ-6 2024, શનિવારના રોજ એસેક્સ કોલેજના વિશાળ જીમ્નેશિયમમાં સંતરામ સત્સંગનું આયોજન હાથ ધરાયેલ. મહાપૂર્ણિમાં સત્સંગની ઉજવણીના ભાગરૂપે નડિયાદના પ.પૂ. આદરણીય શ્રી રામદાસજી મહારાજશ્રીએ બ્રહ્નમુહૂર્તમાં નડિયાદ સંતરામ મંદિરમાંથી વહેલી સુપ્રભાતે સત્સંગમાં પધારેલ 1200થી વધુ ભક્તોને ફોન દ્વારા આશીર્વાદ આપ્યા હતા.

બ્રહ્મલીન શ્રી નારાયણદાસજી મહારાજની આજ્ઞાનુસાર અમેરિકામાં 1993માં શ્રી સંતરામ ભક્ત સમાજની સ્થાપના થઇ હતી. શ્રી સંતરામ મંદિરની પ્રણાલિકા અનુસાર મંદિર અથવા ભક્ત સમાજને નામે કોઈપણ પ્રકારનું ભંડોળ ઉઘરાવવામાં આવતું નથી, અથવા અપીલ કરવામાં આવતી નથી. ભક્તો સ્વયંભૂ પોતાની સ્વેચ્છાએ હોલનું ભાડા ખર્ચ, મહાપ્રસાદના ખર્ચની સેવા પોતપોતાની રીતે ઉપાડી લઈને સત્સંગનું આયોજન કરે છે.

સમૂહમાં ભક્તોએ વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ, સુંદરકાંડનું સ્તવન કર્યા બાદ રાજ - સ્મૃતિ પંડ્યા પરિવાર ભજનિકો દ્વારા સંતરામના પદો, રામ -કૃષ્ણના ભજનોનો રસાસ્વાદ પિરસાયેલ. ઉપસ્થિત 1200થી વધુ ભક્તોની હાજરીમાં 'સંતરામ બાળ શિબિર ' દ્વારા તૈયાર કરાયેલ 21 જેટલા નાના ભુલકાંઓએ ભગવાનના શ્લોકો, હનુમાન ચાલીસાનું સ્તવન આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની ગયેલ. સૌપ્રથમવાર નડિયાદથી સંતરામ બુંદી પ્રસાદની પ્રસાદીની કોથળીઓ પૂ, મહારાજશ્રીએ ઉપસ્થિત તમામ ભક્તોને વહેંચવામાં આવેલી, જેનો આનંદ સર્વે ભક્તોને થયેલો.

હવે પછીનો ગુરુપૂર્ણિમાનો વાર્ષિકોત્સવ જુલાઈ 27, 2024આ રોજ Oldbridge શહેરની Sandburg સ્કૂલમાં રાખવામાં આવેલ છે, તેની જાહેરાતની સાથે સેવા લેનાર ભક્તોની યાદી જાહેર કરવામાં આવેલ. બાદમાં ઉપસ્થિત ભક્તોએ સાથે બેસીને મહાપ્રસાદ લઈને છુટા પડેલા. વધુ માહિતી માટે સંતરામ ભક્ત સમાજની વેબસાઈટ અને ( 732 ) 906-0792 પર સંપર્ક સાધવા વિનંતી કરવામાં આવી છે.

(10:30 pm IST)