Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

મહારાષ્ટ્ર : વર્ધામાં આર્મી ડેપોમાં બ્લાસ્ટ : ૬ના મોત : અનેક ઘાયલ

સૈન્યના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે : ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા માટે હેલિકોપ્ટરની મદદ લેવાઇ

વર્ધા તા. ૨૦ : મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં આવેલા આર્મી ડેપોમાં બ્લાસ્ટ થવાને કારણે છ લોકોનાં મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે એક જૂના બોમ્બને નિષ્ક્રિય કરવાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે આ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટને કારણે ૧૦થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ બાદ ઉચ્ચે આર્મીના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.ઙ્ગ

જૂના બોમ્બને નિષ્ક્રિય કરવાની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટકો ભરેલી એક પેટી નીચે પડી જવાને કારણે બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જયાં બ્લાસ્ટ થયો છે ત્યાં સૈન્યના હથિયારો રાખવામાં આવતા હતા. બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતરફરી મચી ગઈ હતી. બ્લાસ્ટ બાદ આર્મીએ આ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. સૈન્યના ઉચ્ચ અધિકારીઓ પણ આ દુર્ઘટના બાદ ઘટનાસ્થળે દોડી ગયા છે.

મહારાષ્ટ્ર પોલીસે અત્યાર સુધી ચાર લોકોનાં મોતની પુષ્ટિ કરી છે. જેમાં ત્રણ ગામ લોકો તેમજ એક ફેકટરીમાં કામ કરતા મજૂરનો સમાવેશ થાય છે. બ્લાસ્ટ થયો ત્યારે સવારની શિફટમાં ૪૦ જેટલા લોકો કામ કરી રહ્યા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે હાલ વિસ્ફોટક પર કેમિકલ નાખીને તેમના ઠંડા રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બચાવદળના લોકોએ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા. નોંધનીય છે કે આ પહેલા પંજાબના અમૃતસરમાં નિરંકારી સમાગમમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ત્રણ લોકોનાં મોત થયા હતા. આ બનાવમાં ૨૨ લોકો ઘાયલ થયા હતા.

(2:51 pm IST)