Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

દેવરિયા બાલિકાગૃહની કન્યાઓને કેફી દ્રવ્ય આપીને વગદાર મહેમાનોને મોકલાતી

ઓગસ્ટમાં અહીંનું સેકસ કૌભાંડ બહાર આવ્યું હતુ

લખનૌ તા. ૨૦ : ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના મા વિંધ્યવાસિની મહિલા અને બાલિકા સંરક્ષણગૃહમાં રહેતી કન્યાઓને વગદાર મહેમાનો સુધી પહોંચતાં પહેલાં કેફી દ્રવ્ય આપવામાં આવતું હતું કે જેથી તેઓ દુઃખાવાનો અહેસાસ ના કરી શકે. ઓગસ્ટમાં અહીંનું સેકસકૌભાંડ બહાર આવ્યું હતું. પોલીસમાં સાક્ષી દ્વારા નોંધાવવામાં આવેલાં નિવેદનમાં આ હકીકત બહાર આવી છે. ૬ ઓગસ્ટના રોજ આ સંબંધમાં ઉત્તર પ્રદેશ પોલીસ મહિલાસેલ તેમજ ૭ ઓગસ્ટના રોજ દેવરિયા પોલીસ દ્વારા ફોજદારી કાયદા હેઠળ કલમ ૧૬૧ અને ૧૬૪ નિવેદન નોંધવામાં આવ્યું હતું.

ઉત્તર પ્રદેશ પોલીસ સીટ દ્વારા અલ્હાબાદ હાઇકોર્ટ સમક્ષ રજૂ થયેલી ચાર્જશીટમાં નિવેદનો આગળ પર સામેલ થયાં છે. એક ૧૧ વર્ષની બાળાને બાલિકાગૃહમાંથી ભાગી છૂટવામાં સફળતા મળ્યા પછી પૂરાં સેકસકૌભાંડ પરથી પડદો ઊંચકાયો હતો. તે બાળા પોલીસ સુધી પહોંચી જતાં દેવરિયાના પોલીસ અધિક્ષક રોહન કનાયને પાંચ ઓગસ્ટ ૨૦૧૮દ્ગક્ન રોજ પત્રકાર પરિષદ યોજવાની ફરજ પડી હતી.

ઉત્તર પ્રદેશ પોલીસ મહિલાસેલની હેલ્પલાઇન ૧૮૧ પર તે ૧૧ વર્ષની કન્યાએ ૬ ઓગસ્ટના રોજ અધિકારી સમક્ષ નિવેદન આપ્યું હતું કે બાલિકાગૃહના માલિક નાણાં લઈને અપાતી સેકસ સેવાના ભાગરૂપે કન્યાઓને વગદાર મહેમાનો સુધી મોકલતાં પહેલાં કેફી દ્રવ્ય આપતા હતા. બાળાએ કહ્યું હતું કે, 'અમને પુરૂષો પાસે મોકલતાં પહેલાં તેણે અમને કોઈક દવા ખવડાવતી હતી. તેમનું કહેવું હતું કે તે દવાથી તમને પીડા નહીં થાય. મેડમ ધમકાવતી હતી, કહેતી હતી માર ડાલેંગે. તમારે પોલીસ સમક્ષ કાંઈ કહેવાનું નથી અને જો પોલીસવાળા આવે તો તેમને કાંઈક ઊંચકીને મારી દેજો અને મોટાં લોકો સાથે મોજમસ્તી કરતાં રહેજો.'

બાલિકાગૃહમાં રહેતી એક ૧૨ વર્ષની કન્યાએ તો પોલીસ સમક્ષ એવું નિવેદન આપ્યું હતું કે તે માત્ર પાંચ મહિનાથી બાલિકાગૃહમાં રહેતી હતી પણ એટલા જ સમયમાં ગિરિજા તેને એક જ મહિનામાં પાંચથી છ વાર મોકલતી હતી, તેણે કહ્યું કે, 'બપોરે ચારના સુમારે કાર આવતી હતી અને કારમાં લઈ જનારાં લોકો બીજે દિવસે સવારે મૂકી જતાં હતાં. દરેક વખતે સામે બીજી વ્યકિત આવતી હતી. કયારેક કારને બદલે બાઇક પણ આવતી હતી. ગિરિજાને રોકડા ચૂકવીને આવનારી વ્યકિત કન્યાને લઈ જતો હતો.'

કન્યાઓએ ફરિયાદ કરી હતી કે બાલિકાગૃહમાં હલકી ગુણવત્તાનો ખોરાક આપવામાં આવતો હતો અને કોઈક કામ બાકી રહી જાય તો મારપીટ થતી હતી. આ ઘટનાની સુઓમોટો નોંધ લેનારી અલ્હાબાદ હાઇકોર્ટે બાલિકાગૃહની ચાર પીડિતાને ઉત્તર પ્રદેશની વિવિધ સંસ્થાઓમાં આશરો આપ્યો છે.

(1:18 pm IST)