Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

શિકાગોની હોસ્પિટલમાં અંધાધૂંધ ગોળીબાર : મહિલા ડોકટર અને પોલીસ ઓફિસર સહિત ચારના મોત

હુમલાખોર મર્સી હોસ્પિટલની એક મહિલા ડોકટરનો પૂર્વ મંગેતર હોવાનું માલુમ પડયું છે

શિકાગો તા. ૨૦ : અમેરિકાના શિકાગોમાં સોમવારે બપોરે ત્રણથી સાડા ત્રણની વચ્ચે થયેલા અંધાધૂંધ ગોળીબારમાં એક પોલીસ અધિકારી સહિત ચાર લોકોનાં મોત થયા છે, જયારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં ૩૨ વર્ષીય હુમલાખોરનો પણ સમાવેશ તાય છે.

 

મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે ગોળીબારની આ ઘટના એક હોસ્પિટલમાં ઘટી હતી. ફાયરિંગ દરમિયાન એક પોલીસ અધિકારી પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. સારવાર દરમિયાન આ ૨૮ વર્ષીય ઓફિસરનું મોત થઈ ગયું છે. આ ઘટનામાં હોસ્પિટલના સ્ટાફમાંથી એક વ્યકિત પણ ઘાયલ થઈ ગયો છે. આ ઘટના દક્ષિણ શિકાગોની મર્સી હોસ્પિટલ ખાતે બન્યો હતો.

શિકાગોના ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે અંધાધૂંધ ફાયરિંગ કરનાર વ્યકિતને ઢાળી દેવામાં આવ્યા છે. બાદમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. હોસ્પિટલને ખાલી કરાવવામાં આવી હતી. સ્થાનિક ટીવી ચેનલમાં એક ઘટનાને નજરે જોનાર વ્યકિતએ કહ્યું કે તેણે ૨૦ જેટલા ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલાખોરો બે મહિલા પર ફાયરિંગ કર્યું હતું. જેમાંથી પાર્કિંગ વિસ્તારમાં જે મહિલા પર ફાયરિંગ કરવામાં આવ્યું તે હોસ્પિટલની ડોકટર હતી. હુમલાખોરો તેનો પૂર્વ મંગેતર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હુમાલાખોરો તેની પૂર્વ વાગ્દત્તા પર છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં તેનું મોત થઈ ગયું છે. હુમલામાં બીજી જે મહિલાનું મોત થયું છે તે હોસ્પિટલ ખાતે ફાર્માસ્યુટિકલ ટેકિનશિયનનું કામ કરતી હતી.

પોલીસે સર્ચ ઓપરેશન બાદ જણાવ્યું કે હોસ્પિટલમાં તમામ દર્દીઓ સુરક્ષિત છે. સાક્ષીઓના કહેવા પ્રમાણે પાર્કિંગ વિસ્તારમાં ફાયરિંગ કર્યા બાદ બંદૂકધારી હોસ્પિટલના કિલનિક વિસ્તારમાં આવી ગયો હતો અને ત્યાં ફાયરિંગ કર્યું હતું. પોલીસ હજી સુધી ફાયરિંગ પાછળના ઉદેશ્ય કે કારણને શોધી શકી નથી.

નોંધનીય છે કે આ વર્ષે અમેરિકામાં ૧૩ હજાર લોકોનાં મોત ફાયરિંગમાં થયા છે. આ ઉપરાંત આ દરમિયાન આશરે ૨૫ હજાર જેટલા લોકો ઘાયલ થઈ ગયા છે. આંકડાઓના જણાવ્યા પ્રમાણે ગોળીબારની ઘટનાઓમાં ૨૫૦ જેટલા પોલીસવાળાઓ પણ માર્યા ગયા છે.

(1:17 pm IST)