Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

યુગાન્‍ડા : ફાટી નીકળ્‍યા તોફાન : ગુજરાતીઓની દુકાન પર પથ્‍થરમારો

સ્‍થાનિકોમાં ફાટી નીકળ્‍યો રોષ : અકસ્‍માતના કારણે ભડકી હિંસા : ગુજરાતીઓમાં ભયનો માહોલ : ડિફેન્‍સ સ્‍ટેટ મિનિસ્‍ટરે આપી સુરક્ષાની ખાતરી

યુગાન્‍ડા તા. ૨૦ : એક અશ્વેતનું અકસ્‍માતમાં મોત થતાં લીરા શહેરનાં સ્‍થાનીકોમાં રોષ ફાટી નીકળ્‍યો હતો. આ કારણે સ્‍થાનીકો ગુસ્‍સે ભરાયા હતાં અને હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં સ્‍થાનીકોએ ગુજરાતીઓને નિશાને લીધાં હતાં અને દુકાનો પર પથ્‍થરમારો કર્યો હતો. યુગાન્‍ડા પીપલ્‍સ ડિફેન્‍સ ફોર્સિસ (શ્‍ભ્‍ઝજ્‍)એ મોરચો સંભાળતાં સ્‍થિતિ કાબૂમાં આવી હતી.

એક રિપોર્ટ અનુસાર લીરા શહેરમાં ૧૧ વર્ષના વિદ્યાર્થીને ટ્રકે ટક્કર મારી હતી. જેથી તેનું મોત થયું હતું. કથિત રીતે આ ટ્રકને બે એશિયન વ્‍યક્‍તિઓ ચલાવતાં હતાં. જેના કારણે સ્‍થાનીકો ગુસ્‍સે ભરાયાં હતાં અને એશિયન ટ્રેડર્સ તેમજ દુકાનોને નિશાને લીધી હતી.

આ ફાટી નીકળેલી હિંસાના કારણે સમગ્ર ગુજરાતી સમાજમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. હિંસા દરમિયાન પોલીસ અને સ્‍થાનિક લોકો વચ્‍ચે ઘર્ષણ સર્જાયું હતું. અકસ્‍માતના કારણે મામલો બીચકતાં હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં અનેક ભારતીય અને ગુજરાતીઓની દુકાનો પર ભારે પથ્‍થરમારો કરવામાં આવ્‍યો હતો. આશરે પંદર જેટલા લોકોનું ટોળુ સુપરમાર્કેટમાં ધસી આવ્‍યું હતું અને લૂંટની પણ કોશિશ કરી હતી.

યુગાન્‍ડાના કંપાલા, ઝિંઝા ઉપરાંત અનેક ભાગમાં કપડાઓના મોટા શોરુમથી લઈને બેન્‍કિંગ, કન્‍સ્‍ટ્રક્‍શન તેમજ હોટલ અને કરિયાણામાં પણ ગુજરાતીઓનો દબદબો છે. યુગાન્‍ડાના સ્‍ટેટ ડિફેન્‍સ મિનિસ્‍ટર ચાર્લ્‍સ ઓકેલોએ એશિયન પરના હુમલાઓ પછી એશિયન કોમ્‍યુનિટીને સુરક્ષાની ખાતરી આપી હતી.

(10:45 am IST)