Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

બેંક સાથે આધાર લિંક ન હોય તો સેલેરી અટકાવી શકાય નહીં : હાઇકોર્ટ

મુંબઈ તા. ૨૦ : આધાર કાર્ડ સાથે સેલેરી અકાઉન્‍ટ લિંક ન હોવાને કારણે પોર્ટ ટ્રસ્‍ટના એક કર્મચારીનો પગાર ૨૦૧૬થી અટકાવી રાખવાના કેન્‍દ્ર સરકારના નિર્ણય પર મુંબઈ હાઇ કોર્ટે સોમવારે સવાલ ઉઠાવ્‍યો હતો અને કહ્યું હતું કે આધાર કાર્ડ સાથે બેંક અકાઉન્‍ટ લિંક કરવામાં નિષ્‍ફળ જવાને કારણે કોઇનો પણ પગાર અટકાવી શકાય નહીં. મુંબઈ પોર્ટ ટ્રસ્‍ટમાં ચાર્જમેન તરીકે કાર્યરત રમેશ પુરાલે દ્વારા કરાયેલી અરજી પર હાઇ કોર્ટે ઉક્‍ત બાબત જણાવી હતી.

પુરાલેને ડિસેમ્‍બર, ૨૦૧૫માં કેન્‍દ્રીય શિપિંગ મંત્રાલય દ્વારા પત્ર મોકલીને જે બેંક અકાઉન્‍ટમાં સેલેરી ક્રેડિટ થતી હોય તેને આધાર કાર્ડ સાથે લિંક કરાવવા કહ્યું હતું, પરંતુ તેણે પોતાની પ્રાઇવસીનો સૈદ્ધાંતિક અધિકારનો ભંગ થઇ રહ્યો હોવાનું જણાવીને એવું કરવાનો ઇનકાર કર્યો હતો. જુલાઇ, ૨૦૧૬થી પુરાલેને સેલેરી આપવાનું બંધ કરવામાં આવ્‍યું હતું ત્‍યાર બાદ તેણે હાઇ કોર્ટમાં ધા નાખી હતી. ચાલુ મહિનાની શરૂઆતમાં પુરાલેએ સુપ્રીમ કોર્ટના ૨૬મી સપ્‍ટેમ્‍બરના આધાર કાર્ડ સંબંધિત ચુકાદાને આધાર રાખીને અરજી કરી હતી.

‘કોઇ કર્મચારીનું બેંક અકાઉન્‍ટ આધાર કાર્ડ સાથે લિંક ન હોય તો કેન્‍દ્ર સરકાર કેવી રીતે કોઇ કર્મચારીની સેલેરી અટકાવી શકે છે? સુપ્રીમ કોર્ટના આદેશને અનુસરીને અમારો પ્રથમદર્શી મત છે કે આધાર કાર્ડ સાથે બેંક અકાઉન્‍ટ લિંક ન હોય તો કોઇ પણ કર્મચારીની સેલેરી અટકાવી શકાય નહીં,' એમ હાઇ કોર્ટે કહ્યું હતું.

હાઇકોર્ટે કેન્‍દ્ર સરકારને પુરાલેની સેલેરી ચુકવવાનો આદેશ આપતા સુનાવણી આઠમી જાન્‍યુઆરી સુધી મુલતવી રાખી હતી.

(10:36 am IST)