Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

મહારાષ્ટ્રમાં ભાજપે પૂર્ણ તાકાત લગાવી છે : રિપોર્ટ

બહુમતિ મેળવવાના તમામ પ્રયાસો કરાયા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી-અમિત શાહે અપેક્ષા કરતા વધારે રેલીઓ કરીને માહોલ સર્જવા પ્રયાસ કર્યો : હરિયાણામાં સ્થિતિ સંગીન

નવી દિલ્હી, તા. ૨૦ : હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઇને તમામનું ધ્યાન કેન્દ્રિત થઇ ગયું છે. બંને રાજ્યોમાં હાલ ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે. ભારતીય જનતા પાર્ટી બંને રાજ્યોમાં સત્તા જાળવી રાખવા માટે કટિબદ્ધ છે. ખાસ કરીને મહારાષ્ટ્ર ઉપર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આજ કારણસર વડાપ્રધાન મોદીએ પણ અપેક્ષા કરતા વધારે રેલીઓ મહારાષ્ટ્રમાં યોજી છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારમાં ગુજરાત, મધ્યપ્રદેશ, બિહારના સ્ટાર પ્રચારકોને પણ ઉતારીને દેશના જુદા જુદા રાજ્યોમાંથી આવીને મહારાષ્ટ્રમાં વસેલા લોકોને પ્રભાવિત કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. મુખ્મયંત્રી દેવેન્દ્ર ફડનવીસે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થાય તે પહેલા જ સંપૂર્ણ તાકાત લગાવી હતી. મહારાષ્ટ્રમાં શિવસેના સાથે મળીને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી રહી છે પરંતુ શિવસેના અંદરખાને ભારતીય જનતા પાર્ટીની રમતને બગાડવાના પ્રયાસ કરી રહી છે.

            આજ કારણસર શિવસેનાએ પાછલા બારણેથી ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરવાના પ્રયાસો પણ હાથ ધર્યા છે જેથી ભારતીય જનતા પાર્ટીએ બહુમતિ મેળવવા માટેની તૈયારી રાખી છે. વધારે સીટ મળવાની સ્થિતિમાં શિવસેના સરકારમાં મોટો હિસ્સો માંગી શકે છે. આ બાબતની નોંધ લઇને ભારતીય જનતા પાર્ટીએ બહુમતિ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આના કારણે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. છેલ્લી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ૧૨૨ સીટો મળી હતી અને તે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરીને આવી હતી. જો કે, આ વખતે તેની સામે કેટલાક પરિબળો રહેલા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ અન્ય પાર્ટીઓ કરતા હજુ પણ મજબૂત દેખાઈ રહી છે.

        કોંગ્રેસ અને એનસીપી પ્રતિષ્ઠાની લડાઈ લડી રહી છે. કોંગ્રેસ પાર્ટીના ટોપ લીડરો તો પ્રચારમાં પણ દેખાયા ન હતા. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાઢેરા મહારાષ્ટ્રમાં ઝંઝાવતી પ્રચારમાં દેખાયા ન હતા. એનસીપીમાં પણ આવી જ સ્થિતિ રહી હતી. મોટાભાગના સર્વેમાં પણ જણાવવામાં આવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી બંને રાજ્યોમાં સત્તા જાળવી રાખવામાં સફળ રહી શકે છે. જો કે, સર્વે અને અન્ય તારણોના સંદર્ભમાં પાકી વાત કરવી હાલમાં મુશ્કેલ છે. કારણ કે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણી જુદા જુદા વિષયો ઉપર લડવામાં આવે છે.

(8:07 pm IST)