Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

પંજાબના મુખ્યમંત્રીની વિદાયના સંકેત ૧૮ જુલાઇઍ જ મળી ગયા હતા જ્યારે નારાજગી હોવા છતાં નવજાતસિંહ સિધ્ધુને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયા હતાઃ ફેરબદલ માટે પ્રશાંત કિશોરની મુખ્ય ભૂમિકા ?

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરના ફીડબેકના આધારે ફેરબદલ કરાયો

ચંદીગઢ: બે દિવસ સુધી ચાલેલી મેરેથોન બેઠક બાદ કોંગ્રેસે કેપ્ટન અમરિંદર સિંહનું રાજીનામુ લઇ ચરણજીત સિંહ ચન્નીને પંજાબના મુખ્યમંત્રી પસંદ કર્યા છે. જોકે, ચૂંટણી પહેલા ચન્નીને મુખ્યમંત્રી બનાવવાથી એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે અંતે આ નિર્ણયથી પાર્ટીને કેટલો ફાયદો થશે અને શું ચન્ની તે કરિશ્મા કરી શકશે જે કેપ્ટન અમરિંદર સિંહનો હતો? જોકે, તેનો જવાબ પાર્ટીને કેટલાક મહિના પહેલા જ મળી ચુક્યો છે અને જવાબ આપનાર વ્યક્તિ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર છે. પીકેએ ગત મહિને જ પંજાબના મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર પદેથી રાજીનામુ આપ્યુ હતુ. જોકે, હવે કહેવામાં આવી રહ્યુ છે કે પીકેના ફીડબેકના આધાર પર જ પંજાબમાં કોંગ્રેસે આ મોટો ફેરબદલ કર્યો છે.

પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો વચ્ચે તેમણે પંજાબના તત્કાલીન મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના સલાહકારનું પદ છોડી દીધુ હતુ. સુત્રો અનુસાર, પ્રશાંત કિશોરે જ આ ફીડબેક આપ્યો હતો કે કોંગ્રેસ આગામી પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીથી પાછળ રહેવાની છે.

એક અન્ય સૂત્રએ જણાવ્યુ કે પાર્ટીના આંતરિક સર્વેક્ષણમાં આ વાત સામે આવી છે કે પંજાબમાં કોંગ્રેસ નબળી પડતી જઇ રહી છે અને આગામી ચૂંટણીમાં પાર્ટી વર્તમાન સીટોની અડધી પણ જીતી નહી શકે. મહત્વપૂર્ણ છે કે 117 સભ્યોની પંજાબ વિધાનસભામાં કોંગ્રેસ પાસે અત્યારે 80 બેઠક છે.

મહત્વપૂર્ણ છે કે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં સામેલ થવાને લઇને હજુ સુધી કોઇ અંતિમ નિર્ણય થયો નથી. જોકે, રિપોર્ટ્સમાં આ જરૂર કહેવામાં આવી રહ્યુ છે કે કોંગ્રેસ પાર્ટીમાં તેમણે કોઇ મોટી ભૂમિકા આપવામાં આવી શકે છે, પણ અંતિમ નિર્ણય પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ લેવાનો છે. પ્રશાંત કિશોરે ગત મહિને એટલે કે 5 ઓગસ્ટે જ પંજાબના મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર પદેથી રાજીનામુ આપ્યુ હતુ.

આ સિવાય ગાંધી પરિવારને નિર્ણય લેવામાં સામેલ ના કરવા અને પાર્ટી લાઇનથી અલગ ચાલવુ પણ કેપ્ટનને ભારે પડ્યુ હતુ. તાજેતરમાં જલિયાંવાલા બાગના મેકઓવરને લઇને રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ હતુ અને તેને શહીદોનું અપમાન ગણાવ્યુ હતુ જ્યારે કેપ્ટને આ બદલાવને સારૂ ગણાવ્યુ હતુ. જોકે, પાર્ટી સુત્રોની માનીએ તો કેપ્ટનને પોતાની વિદાયના સંકેત 18 જુલાઇએ જ મળી ગયા હતા જ્યારે તેમની નારાજગી છતા નવજોત સિંહ સિદ્ધૂને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

(5:05 pm IST)