Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

સતાધારમાં પ્રથમ થાળ ભૂતદાદાને ધરાય છેઃ પ્રાચીન વડલામાં શકિતશાળી દિવ્ય આત્મા બિરાજે છે...

વિસાવદર, તા. ૨૦ :. અધ્યાત્મ - ધર્મ ખૂબ ઉંડો વિષય છે. આ વિષય મુખ્ય બે વિભાગોમાં વહેચાય છે, સમજાય તેવો ધર્મ અને ન સમજાય તેવો ધર્મ...બીજા વિભાગમાં ગેબી દુનિયાનો સમાવેશ થાય છે. આગામી તા. ૧૭થી વિરાટ મહોત્સવનું આયોજન થયુ છે એ સતાધાર ધામમાં ગેબી દુનિયાનો ધબકાર અનુભવી શકાય છે.

 

સતાધારમાં સોમનાથની પ્રતિકૃતિ સમાન શિવ મંદિર નિર્માણ થયુ છે. આ મંદિરમાં શિવજી બિરાજમાન થશે અને આ દિવ્ય અવસરે શિવ-કથા યોજાશે. તા. ૧૦ થી ૨૩ એપ્રિલ દરમિયાન મહોત્સવ મહાલવા પહોંચજો. સતાધારના વિરાટ સંકુલમાં ભૂતદાદાના બેસણા છે. તેના દર્શન કરવા પણ અચુક જજો. ભૂતદાદાને ભાવિકો પ્રેમથી ભૂતડાદાદા કહે છે, ત્યાં ઢગલાબંધ માનતાઓ ચઢે છે. સતાધારની નિરંતર સમૃદ્ધિને ધબકતી રાખવાનું મહત્વપૂર્ણ કાર્ય ભૂતદાદા કરે છે.

સતાધારના મહંત પૂ. જીવરાજબાપુ સહજભાવે સ્વીકારે છે કે, આ સ્થાન પર અમે તો માત્ર વ્યવસ્થાપક છીએ, કાર્યો તો દૈવીતત્વો દ્વારા થાય છે. લઘુમહંત પૂ. વિજયબાપુએ જણાવ્યુ હતુ કે ભૂતદાદા પ્રત્યે અતુટ શ્રધ્ધા છે. આ દાદા અહીં વચને બંધાયેલો છે. ભૂતદાદાના જ્યાં બેસણા છે ત્યાં વિરાટ - મહાકાય પ્રાચીન વડલો છે. જેના થડ વડવાઈ વચ્ચે ઢંકાઈ ગયેલા છે. આ વડલામાં ભૂતદાદા બીરાજે છે. ઈતિહાસના પ્રભુદાસભાઈ સર તથા બેચરભાઈ વાઘેલાએ જણાવ્યુ હતુ કે આ ગેબી સ્થાનનો ઈતિહાસ રોચક છે. ભૂતદાદા પહેલા માંડવણ ગામના દરબાર ગઢના વૃક્ષ પર બિરાજમાન હતા. સતાધારના બીજી પેઢીના મહંત પૂ. કરમણબાપુના સમયમાં ભૂતદાદા સતાધાર પધાર્યા હતા. આ દૈવી પ્રેત એટલે કે દૈવી આત્મા છે. લોકોના દુઃખ-દર્દ ઓછા કરે છે અને ધામમાં અનાજના ભંડાર આ દાદાની પ્રસાદી સમાન છે. સતાધારમાં ભૂતદાદા વચને બંધાયેલા છે. ભાવિકો ભૂતદાદાની માનતા કરે છે અને જલેબી - શ્રીફળ વગેરે ધરાવાય છે. સતાધાર ધામ પણ ભૂતદાદાના વચને બંધાયેલુ છે, દરરોજ પ્રથમ થાળ ભૂતદાદાને ધરવામાં આવે છે. થાળ લાવવામાં આવે ત્યારે ગંગાજળનો છંટકાવ કરાય છે. ભૂતદાદાને શુદ્ધતા પ્રિય છે.

પ્રખ્યાત સતાધાર ધામમાં પવિત્ર વડલો ભુતડાદાદા તરીકે પૂજાય છે અને પ્રથમ થાળ વડલે ધરાય બાદ પ્રસાદ લેવાની પરંપરા આજે પણ જળવાઈ રહી છે.

આ પવિત્ર વડલાનો ઈતિહાસ ઘણો રસપ્રદ છે. ઈ.સ. ૧૮૦૦થી ૧૮૫૬ના વખતમાં વિસાવદરના માંડાવડમાં હસુબાપુ વાળા ૮૪ ગામના રાજવી હતા. રાજવીબાપુના પુત્ર જીવાબાપુ (બીજા)ના રાજ્યકાળની ખૂબ જ સુખ સમૃદ્ધિ હતી. તેઓ ગૌભકત અને સંતહૃદયના હતા. તેમના દરબાર ગઢના દરવાજા પાસે ઘટાદાર વડલાનું ઝાડ અને બાજુમાં રાજ પરિવારના શિવજીનું મંદિર અને કુળદેવી ગાત્રાળ માતાનું મંદિર હોય રાજવી પરિવારમાં થયેલ રસોઈનો થાળ પ્રથમ ગાત્રાળ માતાને ધરાયા બાદ જમણવાર થતો. વડલાના ઝાડમાં પવિત્ર આત્માનો વાસ હોય અને કયારેય ચારણ, સાધુ કે બ્રાહ્મણ તરીકે નીચે આવી થાળ લઈને અદ્રશ્ય થઈ જતા. આ વાતની દરબાર સાહેબને જાણ હતી પરંતુ ધ્યાને લીધેલ નહીં. જો કે સભામાં આ બાબતની વાત રજુ થતી રહેતી. આ પવિત્ર આત્મા થાળ જમે ત્યાં સુધી વાંધો નથી પરંતુ કોઈને નુકશાન કરે તો તકલીફ થાય આવી કોઈ સંમર્થ સંતનું માર્ગદર્શન લેવાનું નક્કી થતા સતાધારમાં પૂજ્ય આપાગીગાના શિષ્ય કરમણબાપુ અને તેમના શિષ્ય રામબાપુને બોલાવવા દરબારશ્રીએ માતા રજુમા, સંજુમા, દેવુમાની હાજરીમાં નિર્ણય લીધો, જે નિર્ણય મુજબ રાજ્યના દરબારીને સતાધાર મોકલી રામબાપુને માંડાવડમાં પધરામણી કરવા વિનંતી કરતા તેઓ માંડાવડ આવતા જીવાબાપુએ પ્રેમથી આદર સત્કાર કરેલ. રામબાપુએ જીવાબાપુને સલાહ આપી કે દરરોજ પ્રથમ થાળ આ પવિત્ર આત્માને ધરજો અને બીજો થાળ માતા ગાત્રાળને આપજો.

ત્યાર બાદ ખાત્રી રૂપે રાજપરિવારમાં કોઠારમાંથી એક સુંડલો જુવાર ભરી રામબાપુની જોળીમાં નાંખતા વડલાની તોતીંગ ડાળ ભાંગીને નીચે પડતા આ પવિત્ર આત્માને રામબાપુ સતાધાર લઈ ગયા અને ત્યાં નજીકના વડલાના ઝાડમાં તેને સ્થાન અપાયું. આજે પણ આ પવિત્ર આત્મા સતાધારમાં વડલાના ઝાડે ભૂતડાદાદાના નામથી પૂજાય છે. પ્રથમ થાળ ભુતડાદાદાને ધરાયા બાદ પ્રસાદ લેવાની પરંપરા આજે પણ સતાધારમાં જાળવવામાં આવી રહી છે.(૨-૨)

 

(12:04 pm IST)