Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

મિયાદાદનું 'મ્યાઉ-મ્યાઉ': ભારત તો ડરપોક છેઃ અમારી પાસે અણુબોંબ છેઃ સાફ કરી દેશું

૩૭૦મી કલમ હટાવાતા પેટમાં દુઃખાવો ઉપડયો

નવી દિલ્હી, તા.૨૦: જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદથી પાકિસ્તાનમાં સોપો પડી ગયો છે. પાકિસ્તાનના નેતાઓ ઉપરાંત દિગ્ગજ ક્રિકેટરો પણ કાશ્મીર મુદ્દે વિવાદિત નિવેદન આપી રહ્યા છે. શાહિદ આફ્રીદી, શોએબ અખ્તર અને સરફરાજ અહમદ બાદ હવે તે યાદીમાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદ પણ સામેલ થઈ ગયા છે. જાવેદ મિયાંદાદે તમામ હદો વટાવીને ભારત પર હુમલો કરવાની વકાલત કરી દીધી છે. એક પાકિસ્તાની ચેનલ સાથેની વાતચીતમાં જાવેદ મિયાંદાદે ભારતને એક ડરપોક દેશ ગણાવ્યો.

જાવેદ મિયાંદાદને જયારે કાશ્મીર મુદ્દે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, જો તમારી પાસે લાઇસન્સવાળું હથિયાર છે તો તમારે હુમલો કરવો જોઈએ. આ દરેક સ્થળે નિયમ છે કે તમે પોતાના બચાવમાં મારી શકો છો. જયારે તેમની લાશો ઘરોમાં જશે ત્યારે તેમને ભાન પડશે. જયારે જાવેદ મિયાંદાદને પૂછવામાં આવ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને શું સંદેશ આપશો તો તેમણે કહ્યું કે, હું પહેલા પણ કહી ચૂકયો છું કે ભારત એક ડરપોક દેશ છે. અત્યાર સુધી એમણે કર્યુ શું છે? પરમાણુ બોમ્બ અમે એમ જ નથી રાખ્યો, અમે ઉપયોગ કરવા માટે રાખ્યો છે. અમારે તક જોઈએ અને અમે સાફ કરી દઈશું.

ઉલ્લેખનીય છે કે, મિયાંદાદ પહેલા શોએબ અખ્તર, પાકિસ્તાનનો કેપ્ટન સરફરાજ અહમદ અને શાહિદ આફ્રીદી પણ કાશ્મીર મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપી ચૂકયા છે. સરફરાજ અહમદે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હું અલ્લાહને પ્રાર્થના કરું છું કે તેઓ આ મુશ્કેલ સમયમાં અમારા કાશ્મીરી ભાઈઓની મદદ કરે. અમે તેમની તકલીફ સમજીએ અને અનુભવીએ છીએ. સમગ્ર પાકિસ્તાન તેમની સાથે ઊભું છે. શાહિદ આફ્રીદીએ સંયુકત રાષ્ટ્રની સામે કાશ્મીર મુદ્દાને લઈ જવાની માંગ કરી હતી. શોએબ અખ્તરે પણ વિવાદિત ટ્વિટ કરી કાશ્મીર મુદ્દે પોતાનો મત રજૂ કર્યો હતો.

(9:57 am IST)