Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

4G ડાઉનલોડ સ્પીડ ચાર્ટમાં જિઓ ટોચના સ્થાને

જિઓએ જુલાઈમાં ૨૧.૦ એમબીપીએસની ડાઉનલોડ સ્પીડ હાંસલ કરી હતીઃ જે જૂનમાં ૧૭.૬ એમબીપીએસની સ્પીડ કરતાં વધારે હતી

નવી દિલ્હી, તા.૨૦: ટેલીકોમ રેગ્યુલેટર ટ્રાઈએ જુલાઈમાં જાહેર કરેલા આંકડા મુજબ, રિલાયન્સ જિઓએ સરેરાશ ૪જી ડાઉનલોડ સ્પીડનાં ચાર્ટમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું. જિઓએ જુલાઈમાં ૨૧.૦ એમબીપીએસની ડાઉનલોડ સ્પીડ હાંસલ કરી હતી, જે જૂનમાં ૧૭.૬ એમબીપીએસની સ્પીડ કરતાં વધારે હતી. વળી રિલાયન્સ જિઓ વર્ષ ૨૦૧૮માં દેશમાં સૌથી ઝડપી ૪જી ઓપરેટર હતી, જેની ૧૨ મહિનામાં સરેરાશ ડાઉનલોડ સ્પીડ સૌથી વધારે જળવાઈ રહી હતી. ચાલુ વર્ષનાં અત્યાર સુધીનાં સાત મહિનામાં પણ જિઓએ આ દ્રષ્ટિએ ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.

ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ)એ જાહેર કરેલા આંકડા મુજબ, જૂનમાં ભારતી એરટેલની સ્પીડ ૯.૨ એમબીપીએસથી ઘટીને જુલાઈમાં ૮.૮ એમબીપીએસ થઈ હતી. વોડાફોન અને આઇડિયા સેલ્યુસરે તેમનો વ્યવસાય મર્જ કર્યો છે અને હવે વોડાફોન આઇડિયા તરીકે કાર્યરત હોવા છતાં ટ્રાઈએ તેમનાં નેટવર્કની કામગીરી અલગ રીતે જાહેર કરી હતી. વોડાફોન નેટવર્ક પર સરેરાશ ૪જી ડાઉનલોડ સ્પીડ જૂનમાં ૭.૯ એમપીબીએસથી ઘટીને જુલાઈમાં ૭.૭ એમબીપીએસ થઈ હતી.

આઇડિયાની સરેરાશ ડાઉનલોડ સ્પીડ જૂનમાં ૬.૧ એમબીપીએસથી વધીને જુલાઈમાં ૬.૬ એમબીપીએસ થઈ હતી. જુલાઈમાં ૫.૮ એમબીપીએસની સરેરાશ ૪જી અપલોડ સ્પીડ સાથે વોડાફોન ટોચ પર હતી, જે જૂનમાં ૫.૭ એમબીપીએસની સરેરાશ અપલોડ સ્પીડ કરતાં વધારે હતી. જુલાઈમાં આઇડિયા અને એરટેલનાં નેટવર્કની સરેરાશ ૪જી અપલોડ સ્પીડ થોડી દ્યટીને અનુક્રમે ૫.૩ એમબીપીએસ અને ૩.૨ એમબીપીએસ થઈ હતી, ત્યારે જિઓની સરેરાશ અપલોડ સ્પીડ વધીને ૪.૩ એમબીપીએસ થઈ હતી.

ટ્રાઈએ એની રિયલ-ટાઇમ આધારિત એપ્લિકેશન માયસ્પીડની મદદથી સરેરાશ સ્પીડની ગણતરી કરી છે. ટ્રાઈનાં લેટેસ્ટ રિપોર્ટ મુજબ, મે, ૨૦૧૯નાં અંતે ભારતમાં કુલ વાયરલેસ સબસ્ક્રિપ્શન ૧૧૬ કરોડથી વધારે હતાં. એમાંથી વોડાફોન આઇડિયા ૩૮.૭૫ કરોડ સબસ્ક્રિપ્શન સાથે મહત્તમ હિસ્સો ધરાવતી હતી અને ત્યારબાદ બીજા સ્થાને ૩૨.૨૯ કરોડ સબસ્ક્રિપ્શન સાથે જિઓ હતી. ત્રીજા સ્થાને એરટેલ ૩૨.૦૩ કરોડ સબસ્ક્રિપ્શન ધરાવતી હતી. બીએસએનએલ ૧૧.૫૮ કરોડ સબસ્ક્રાઇબર ધરાવતી હતી. રિપોર્ટમાં એવી જાણકારી પણ મળી હતી કે, વોડાફોન આઇડિયા ગુજરાતમાં ૩.૧૦ કરોડ સબસ્ક્રાઇબર ધરાવતી હતી, ત્યારે જિઓ ૨.૦૬ કરોડ, એરટેલ ૧.૦૭ કરોડ અને બીએસએનએલ ૬૦ લાખથી વધારે સબસ્ક્રાઇબર ધરાવતી હતી.

(9:56 am IST)