Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

ઉ.ભારત વરસાદથી બેહાલઃ પુરનો ખતરોઃ ૪૨થી વધુના મોત

પંજાબ, હરિયાણા, ઉતરાખંડ, જમ્મુ અને દિલ્હીમાં પુર જેવી સ્થિતિઃ યમુના ભયજનક સપાટીએઃ કેટલાક ગ્રામ્યવિસ્તારોમાં ૧૦ દિવસ બાદ પણ બચાવ ટીમો પહોંચી શકી નથી અનેક લોકો ફસાયા

નવી દિલ્હી, તા.૨૦: ઉત્તર ભારતમાં ધોધમાર વરસાદ અને પૂરની સ્થિતિએ ભારે બેહાલી સર્જી છે. હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબમાં ૪૨થી વધુ લોકોનાં મોત થયાં છે. જયારે અનેક લોકો પૂરમાં તણાઈ ગયા છે કે લાપતા થયા છે. દિલ્હીમાં યમુનાએ ભયજનક સપાટી વટાવતા પૂરનો ખતરો સર્જાયો છે. હિમાચલના લાહોલ સ્પિતિ અને ચંબામાં બરફવર્ષા થતા સ્થિતિ વકરી છે અને ૫૦૦થી વધુ પ્રવાસીઓ ફસાયા છે. ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશમાં અનેક નદીઓ ગાંડીતૂર થતા પૂરની ચેતવણી આપવામાં આવી છે. હિમાચલ, મધ્યપ્રદેશ સહિત ૧૭ રાજયોમાં હવામાન ખાતા દ્વારા ધોધમાર વરસાદની ચેતવણી અપાઈ છે.

ઉત્તરાખંડમાં વાદળ ફાટતા ૨૫થી વધુ લોકોનાં મોત થયા છે અને અનેક લોકો લાપતા થયા છે. યમુના નદીમાં હથિની કુંડ બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યા પછી યમુનામાં પૂર વધ્યું છે અને હરિયાણામાં આર્મીને એલર્ટ કરાઈ છે. પંજાબ અને હરિયાણામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોને સલામત સ્થળે ખસી જવા તાકીદ કરાઈ છે. પંજાબમાં ૮૧ ગામ ખાલી કરવાનાં આદેશ અપાયા છે જયારે ૬નાં મોત થયા છે. લુધિયાણામાં ભોલેવલ ખાદીમ ગામે એનડીઆરએફની ૩ ટીમ દ્વારા ૪૦થી વધુ લોકોને અને ૮ પશુઓને બચાવવામાં આવ્યા હતા. અહીં ૧૫૦થી વધુ લોકો ફસાયા છે. જેમને બચાવવા કામગીરી કરાઈ રહી છે.

હરિયાણાનાં હથિનીકુંડમાંથી ૮ લાખ કયુસેકથી વધુ પાણી છોડવામાં આવતા દિલ્હીમાં યમુનાએ ૨૦૪.૫૦ મીટરની ભયજનક સપાટી વટાવી છે અને પાણી ૨૦૫ મીટરે પહોંચ્યું હતું જે મોડી રાત સુધીમાં ૨૦૭ મીટરે પહોંચે તેવી શકયતા હોવાનું કેન્દ્રીય જળ આયોગે જણાવ્યું હતું. આને કારણે દિલ્હીમાં ૪૦ વર્ષ પછી સૌથી મોટો પૂરનો ખતરો સર્જાયો હતો. કેજરીવાલ સરકાર દ્વારા તાકીદની બેઠક બોલાવીને તકેદારીનાં પગલાં લેવામાં આવ્યા હતા. રાહત અને બચાવ કામગીરી માટે તંત્રને સાબદું કરાયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ૫૦૦૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

હિમાચલ પ્રદેશમાં રવિવારે ભારે વરસાદે ૭૦ વર્ષનો રેકોર્ડ તોડયો હતો. સામાન્ય કરતા ૧૦૬૫ ટકા વધુ વરસાદ ખાબકયો હતો અને ૨૪ કલાકમાં મુશળધાર વરસાદે ખાનાખરાબી સર્જી હતી જેમાં ૨ નેપાળી સહિત ૨૨નાં મોત થયા હતા. જયારે ૧૨ લોકોને ઈજા થઈ હતી. રાજયમાં ૫૭૪ કરોડનું નુકસાન થયું હતું. કાંગડા અને સોલનમાં એનડીઆરએફની ટીમ તહેનાત કરાઈ છે. સિમલામાં ૯, સોલનમાં ૫, કુલ્લુ, સિરમોર અને ચંબામાં ૨-૨ તેમજ ઉના અને લાહૌલ સ્થિતિમાં ૧-૧ વ્યકિતનાં મોત થયા છે. રાજયનાં ૧૧ જિલ્લા વરસાદની ચપેટમાં આવી ગયા છે. ૯ નેશનલ હાઈવે સહિત ૮૭૭ રસ્તાઓ બંધ થઈ ગયા છે.

ઉત્ત્।રાખંડમાં શનિવાર અને રવિવારે વાદળ ફાટતા મુશળધાર વરસાદ વરસ્યો હતો અને નદીઓ ગાંડીતૂર બની હતી. ભારે ભૂસ્ખલનને કારણે ૨૫નાં મોત થયા હતા અને અનેક લોકો લાપતા થયા હતા. આરાકોટ, માકુડી, મોલ્ડા, સનેલ, ટિકોચી અને વિચાણુમાં અનેક મકાનો તણાઈ ગયા હતા. ભૂસ્ખલનથી ઉત્તરકાશીનાં ૧૨ ગામોને ભારે નુકસાન થયું છે. બચાવ અને રાહત કામગીરી માટે ૩ હેલિકોપ્ટર્સને કામે લગાડવામાં આવ્યા છે.

હવામાન ખાતા દ્વારા આગામી ૨૪ કલાકમાં ૧૭ રાજયોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હતી. જેમાં ઉત્ત્।રાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પૂર્વ રાજસ્થાન, મહારાષ્ટ્ર, વિદર્ભ, બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તામિલનાડુ, પુડ્ડુચેરી, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેદ્યાલયમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે.(૨૩.૫)યુપીમાં ગંગા, યમુના અને દ્યાદ્યરા નદીએ ભયજનક સપાટી વટાવી છે અને ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. શારદા નદી તેમજ એલ્ગિનબ્રિજ ખાતે દ્યાદ્યરા નદીએ રૌદ્ર સ્વરૂપ પકડયું છે.

(9:53 am IST)