Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

સતાધારમાં સતની ચેતના અને મહંત પૂજ્ય જીવરાજબાપુનું ભોળપણ દર્શનીય છેઃ પૂ. મોરારીબાપુ

સતાધારના સંતોનું ભોળપણ એ તેમની સાધુતાના આગવા આભૂષણ છે

વિસાવદર, તા. ૨૦ :. પવિત્ર યાત્રાધામ સતાધાર ખાતે સોમનાથની પ્રતિકૃતિ સ્વરૂપ નિર્માણ કરાયેલ બિલેશ્વર મહાદેવ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શિવકથાના વિરામ પ્રસંગે થોડા સમય પહેલા પધારેલ પ્રખર રામાયણી પૂ. મોરારીબાપુએ 'સતાધારમાં સતની ચેતના અને મહંત પૂ. જીવરાજબાપુનું ભોળપણ દર્શનીય છે' તેમ જણાવી અત્યંત ભાવુક મનનીય પ્રવચન આપ્યુ હતું.

પૂ. મોરારીબાપુએ જણાવ્યુ કે, પૂ. જીવરાજબાપુના શુભ સંકલ્પથી પુરાણા બિલેશ્વર મંદિરની સોમનાથની પ્રતિકૃતિ સ્વરૂપ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ રહી છે જેથી હું અત્યંત પ્રસન્નતા અનુભવુ છું અને હું અહી સતાધાર પગે લાગવા આવ્યો તેને અહોભાગ્ય ગણુ છું.

પૂ. મોરારીબાપુએ જણાવ્યુ કે મુખ્ય ત્રણ ગાદી હોય છે જેમાં (૧) રાજગાદી (૨) વ્યાસપીઠ એટલે કે ધર્મગાદી અને (૩) ગુરૂગાદી... આ ત્રણેય ગાદીમાં સતાધારની ગુરૂગાદી સર્વોચ્ચ છે... કારણ કે સતાધારમાં સર્વોચ્ચ ગુરૂ પરંપરા છે અને સતની ગાદી એટલે જ સતાધાર...

પૂ. મોરારીબાપુએ વધુમાં જણાવ્યુ હતુ કે હું પહેલેથી જ આપાગીગાના સમાધી સ્થાન-સતાધારથી પ્રભાવિત છું. સંત શિરોમણી પૂ. શામજીબાપુના વખતે સતાધાર દર્શને આવતો અને પૂ. જીવરાજબાપુના વખતથી પણ સતત સતાધાર દર્શને આવતો રહું છું... અહીં સતની ચેતના અને 'હરીહર'ના નાદ સાથે અવિરત 'રોટલો' ચાલુ છે એ જ સતાધારની આગવી ઓળખ છે... અહીં આવનાર દર્શનાર્થીને 'મહેમાન' ગણવામાં આવે છે... આગવી આગતા-સ્વાગતા કરાય છે અને હોંશે હોંશે હરિહર કરાવાય છે જે નિહાળી સૌને અનેરી અનુભૂતી થાય છે.

પૂ. મોરારીબાપુએ લઘુમહંત પૂ. વિજયબાપુનો ઉલ્લેખ કરીને જણાવ્યુ હતુ કે, આ યુવા સંત ગુરૂ પરંપરાને આગળ ધપાવશે જ અને આપાગીગાના અનરાધાર આશિર્વાદ હંમેશા સૌ પર વરસતા રહેશે તેવા શુભાશિષ આપ્યા હતા... પૂ. મોરારીબાપુનું પૂ. જીવરાજબાપુએ પરંપરા અનુસાર સ્વાગત કર્યુ હતુ... પૂ. મોરારીબાપુએ પ્રારંભમાં થોડો સમય સમય શિવકથાનું પણ શ્રવણ કર્યુ હતું.

સતાધાર ખાતે સને ૨૦૦૪માં અતિરૂદ્ર મહાયજ્ઞ યોજાયેલ ત્યારે પ્રખર રામાયણી પૂ. મોરારીબાપુએ સતાધારના સંતોનું ભોળપણ એ તેમની સાધુતાના આગવા આભૂષણ છે... ભોળપણની પરંપરા આપાગીગાના વખતથી અવિરત ચાલુ રહી છે... નિર્દોષ નીખાલસ અને સાલસ પ્રકૃતિએ કુદરતની અનમોલ ભેટ છે... આડંબર મુકત ભકિત એ જ સંતોની શોભા છે અને એ સતાધારના સંતોમાં રહેલી છે. આવા હૃદયસ્પર્શી વાકયોથી પૂ. મોરારીબાપુએ સતાધારના સંતોનો વાસ્તવિક આગવો પરીચય આપ્યો હતો... સમગ્ર સૌરાષ્ટ્ર પરગણામાં એક નિર્દોષ ભલા ભો ળા અને ભવનાનંદી સંત તરીકેની પૂ. જીવરાજ ભગત ગુરૂ શ્રી શામજી ભગત અમીટ છાપ ધરાવી રહ્યા છે.

(9:52 am IST)