Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ભારતે ગેરકાયદે માઇગ્રન્ટ્સ અંગેના કરાર પર સહી ન કરતા હળવા વિઝા નિયમોમાંથી બાકાત : બ્રિટન

બ્રિટને જે દેશોના વિદ્યાર્થીઓ માટે નિયમો હળવા કર્યા છે તેવા દેશોની યાદીમાં ભારત સામેલ નથી : આ નિર્ણયથી બંને દેશોના સંબંધો પર કોઇ અસર ન થવાનો બ્રિટનના પ્રધાનનો દાવો

લંડન તા. ૨૦ : ભારતે ગેરકાયદે માઇગ્રન્ટ્સ અંગેના કરાર પર સહી ન કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા નિયમો હળવા કરવામાં આવ્યા નથી તેમ બ્રિટનની સરકારે જણાવ્યું છે.

બ્રિટને ભારતને એવા દેશોની યાદીમાંથી બાકાત રાખ્યું છે જેમના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે પરવાનગી આપવાના નિયમો સરળ બનાવવામાં આવ્યા છે.

બ્રિટનના આંતરરાષ્ટ્રીય વાણિજ્ય પ્રધાન લિયામ ફોકસે જણાવ્યું છે કે, ભારતને એવા દેશોની યાદીમાંથી બહાર રાખવામાં આવ્યું છે જેમના વિદ્યાર્થીઓને બ્રિટનની યુનિવર્સિટીઓમાં પ્રવેશ આપવા માટેની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે.

તેમણે જણાવ્યું હતું કે, આનું કારણ એ છે કે, નિર્ધારીત સમયથી વધુ સમય માટે બ્રિટનમાં રહેતા ગેરકાયદે ભારતીયોને સ્વદેશ મોકલવા અંગે ભારત સરકાર સાથે સંમતિ સાધી શકાય નથી.

આ યાદીને વિસ્તારવામાં આવી છે અને નવી યાદીમાં ચીન, માલદિવ્ય, મેકિસકો અને બેહરિનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું છે કે, બ્રિટનના આ નિર્ણયથી ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધો ખરાબ થશે તો તેમણે જણાવ્યું હતું કે, ભારત સાથેના અમારા સંબંધો ઘણા જુના છે અને આ નિર્ણયથી આ સંબંધો પર કોઇ અસર નહીં પડે.

હળવા નિયમોની હંમેશા માગ રહે છે. પણ અમે નિર્ધારીત સમયથી વધુ રહેનારા ગેરકાયદેસર ભારતીયોના નિકાલ અંગે સમજૂતી કર્યા વગર આ અંગે વિચારી શકીએ તેમ નથી.

(12:35 pm IST)