Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસનને મંજુરી

ગઠબંધન સરકાર તૂટયાના ૨૪ કલાકમાં રાજ્યપાલ શાસનઃ રાષ્ટ્રપતિની મંજુરી

નવી દિલ્હી તા. ૨૦ : જમ્મુ-કાશ્મીરમાં મહેબૂબા મુફતી સરકાર પડ્યા બાદ બુધવારના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજયમાં રાજયપાલ શાસનને મંજૂરી આપી દીધી છે. ભારતીય જનતા પાર્ટીએ મંગળવારના રોજ રાજય સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું હતું, ત્યારબાદ મહેબૂબા મુફતીએ પોતાનું રાજીનામું રાજપાલ એનએન વોહરાને સોંપી દીધું હતું.

મહેબૂબા મુફતીના રાજીનામા બાદ ઉમર અબ્દુલ્લાએ પણ રાજયપાલની મુલાકાત લીધી હતી. જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર બનવાની કોઇ સ્થિતિ દેખાય રહી નથી, તેની સાથે જ રાજયપાલે રાષ્ટ્રપતિને રાજયપાલ શાસન લાદવાની ભલામણ મોકલી હતી.

આપને જણાવી દઇએ કે મંગળવારના રોજ ભાજપ અધ્યક્ષ અમિત શાહે જમ્મુ-કાશ્મીર ભાજપ નેતાઓની સાથે બેઠક કરી હતી, ત્યારબાદ ભાજપે પોતાનું સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી હતી.

મંગળવારના રોજ ભાજપ નેતા રામમાધવે પીડીપીમાંથી સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરતાં છેલ્લાં કેટલાંક દિવસથી કાશ્મીરમાં સ્થિતિ ખૂબ વણસી છે, તેના લીધે અમારે આ નિર્ણય લેવો પડી રહ્યો છે. તેમણે કહ્યું કે આ સંબંધમાં વડાપ્રધાન, અમિત શાહ, રાજય નેતૃત્વ સંભાળી રહેલા તમામ સાથે વાત કરી છે. સરકાર તૂટ્યા બાદ ભાજપે જમ્મુ કાશ્મીરમાં રાજયપાલ શાસન નાંખવાની માંગણી કરી હતી.

મુખ્યમંત્રી પદ પરથી રાજીનામાં આપ્યા બાદ મહેબૂબા મુફતીએ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં ડરની નીતિ ચાલશે નહીં. તેમણે કહ્યું કે બંને પાર્ટીઓ અલગ-અલગ વિચારધારાને માને છે, પરંતુ તેમ છતાંય સત્તા માટે નહીં પરંતુ મોટા વિઝનને સાથે લઇ અમે ભાજપની સાથે ગઠબંધન કર્યું હતું.

મહેબૂબાએ કહ્યું કે સરકાર દ્વારા તેઓ કાશ્મીરમાં પોતાના એજન્ડા લાગૂ કરવામાં સફળ રહી છે. મહેબૂબાનું કહેવું છે કે કાશ્મીરના લોકો સાથે વાતચીત થવી જોઇએ, પાકિસ્તાન સાથે વાતચીત થવી જોઇએ, આ તેમની હંમેશાથી કોશિષ રહી છે.(૨૧.૮)

 

(11:53 am IST)