Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

૭૦ વર્ષમાં દેશનો વિકાસ પણ ખેડૂતોનો નહિં: ૨૦૨૨ સુધીમાં આવક બમણી કરશું

વડાપ્રધાન મોદીએ વિડીયો કોન્ફરન્સ થકી દેશભરના ખેડૂતો સાથે વાત કરીઃ બીજથી માંડીને બજાર સુધી ખેડૂતને ડગલેને પગલે મદદ મળે તે માટે અમે કાર્યરત છીએઃ વચેટિયાઓની નાબુદી થઈ છેઃ ખેડૂતોની પડતર ઘટે, યોગ્ય ભાવ મળે, પેદાશની બરબાદી ન થાય અને ખેતી ઉપરાંત વૈકલ્પીક કામ તૈયાર હોય તો ખેડૂતોની આવક વધેઃ ૪ વર્ષમાં અમે ખેડૂતો માટે ઘણુ બધુ કર્યુઃ અર્થ વ્યવસ્થાને બદલવાનો શ્રેય ખેડૂતોને જ જાય છે

નવી દિલ્હી, તા. ૨૦ :. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નમો એપ થકી દેશભરના ખેડૂતો સાથે વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, ખેડૂત આપણા અન્નદાતા છે, તેઓ આપણને ભોજન આપે છે અને દેશના અર્થતંત્રને બદલવાનો સંપૂર્ણ શ્રેય ફકત ખેડૂતોને જ જાય છે. પીએમએ કહ્યુ હતુ કે, દેશના વિકાસ માટે ખેડૂતોએ લોહી-પાણી એક કર્યા છે. ૭૦ વર્ષમાં દેશનો વિકાસ થયો પરંતુ ખેડૂતોનો વિકાસ અટકી ગયો છે. અમે ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માગીએ છીએ અને એ માટે અમે નીતિઓ ઘડી રહ્યા છે.

વડાપ્રધાને કહ્યુ હતુ કે અમે તેઓની આવક બમણી કરવાની વાત કરીએ છીએ તો લોકો અમારી મજાક ઉડાવે છે. ખેડૂત આજે જોખમ લેવા તૈયાર છે, પરિણામ આપવા પણ તૈયાર છે અને તેઓએ અત્યાર સુધી આવુ જ કર્યુ છે. જે ૪ બાબતો ઉપર ધ્યાન દેવામાં આવે તો ખેડૂતોની આવક બમણી થઈ શકે છે. જેમા ખેડૂતોની પડતર ઘટે, ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળે, જે ઉત્પન્ન કરે છે તેનો નાશ ન થાય અને કૃષિ ઉપરાંત વૈકલ્પીક કામ પણ તૈયાર હોય.

પીએમએ કહ્યુ હતુ કે આ વખતે અમે એમએસપી વધારેલ છે જેનો ફાયદો ખેડૂતોને થશે. આ વખતે એવી અનેક બાબતો લાવવામાં આવી છે જેનાથી ખેડૂતોને લાભ થશે. આજે દેશમાં અનાજ, ફળ, શાકભાજી અને દૂધનું રેકોર્ડ ઉત્પાદન થઈ રહ્યુ છે. અમે સોઈલ હેલ્થ કાર્ડ, નિમકોટીંગ થકી ખેડૂતોને ફાયદો થઈ શકે તેવુ જણાવ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે, આજે ખેડૂતોને ખાતર સરળતાથી મળે છે.

તેમણે કહ્યુ હતુ કે અમારા પ્રયાસ છે કે, ખેડૂતોને ખેતીની પુરી પ્રક્રિયામા દરેક પગલે મદદ મળે એટલે કે વાવણી પહેલા, વાવણી બાદ અને પાકની લળણી બાદ તેમણે કહ્યુ હતુ કે સીધી રીતે કહીએ તો પાક તૈયાર થયા બાદ બજારમાં તેના વેચાણ સુધી એટલે કે બીજથી બજાર સુધીના ફેંસલા લેવાયા છે. તેમણે ઉમેર્યુ હતુ કે, કૃષિ સિંચાઈ યોજના હેઠળ આજે દેશભરમાં ૯૯ સિંચાઈ યોજનાઓ પુરી કરવામાં આવી છે. તેમણે કહ્યુ હતુ કે ખેડૂતોને સાથે લઈને ચાલવુ અને સરકારની જૂની નીતિઓને બદલી આગળ વધવાનુ છે. હવે ખેડૂતોના પૈસા અને તેમના હક્ક માટે વચેટીયાઓ પોતાનો અધિકાર જમાવી નહી શકે. આજે દરેક ખેતીને પાણી મળે તે લક્ષ્ય સાથે સરકાર આગળ વધી રહી છે. પાક વિમા યોજના કાર્યરત છે. ઉપજના યોગ્ય ભાવ મળે તે માટે ઓનલાઈન વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. કિસાન કલ્યાણ માટે સરકાર સંપૂર્ણ રીતે કામ કરી રહી છે. દેશના ખેડૂતોને અત્યાર સુધી તેમના નસીબ પર છોડવામાં આવતા હતા અમે તે વિચારધારા બદલી છે. વૈજ્ઞાનિક પદ્ધતિઓથી કૃષિ ઉત્પાદનમા વધારો થયો છે. ૨૦૧૭-૧૮માં અનાજનુ ઉત્પાદન ૨૮૦ મીલીયન ટનથી વધારે થયુ છે જ્યારે ૨૦૧૦-૧૪નુ ઉત્પાદન ૨૫૦ મીલીયન ટન હતુ એટલે કે ૧૦.૫ ટકાનો વધારો થયો છે.(૨-૭)

 

(12:41 pm IST)