Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

જેટ એરવેઝનો એપ્રિલથી વિમાની સેવા બંધ કરવાનો નિર્ણય અયોગ્યઃ બંધ કરે તો વિમાની ભાડા-વ્યાજ-આર્થિક નુકશાની આપે

જેટ એરવેઝ ઉપર સરકાર દબાણ લાવેઃ ઇન્ડીગો એર-સ્પાઇસજેટ ઉપર રાજકોટ મુંબઇ વિમાની સેવામાં દબાણ કરે... : જેટ એરવેઝે ૧૫ થી રપ હજાર સુધીના ભાડા વસૂલ્યા છેઃ અગ્રણીઓ મુકેશ દોશી, ઉપેન મોદી દ્વારા વિરોધ વંટોળ

રાજકોટ તા.૨૦: છેલ્લા થોડા સમયથી સમગ્ર ભારતમાં ચર્ચા ને ચકડોળે ચડેલી જેટ-એરવેઝ અનેક રીતે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે. એ ઉપરાંત દિવસે-દિવસે તેની વિમાની સેવાઓ કથળતી જાતી હતી. રાજકોટ સહિત દેશનાં ઘણાં ભાગોમાં જેટ-એરવેઝ મનફાવે તેવા ભાડાં વસુલી રહી હતી.રાજકોટથી મુંબઇ મુસાફરી માટે વિમાની સેવાનો ઉપયોગ કરતાં લોકોને આડેધડ ભાવ વસુલી વિમાની સેવાનો અછતનો અથવા રાજકોટથી અન્ય કંપનીઓની હરિફાઇનાં હોવાને કારણે અને ભરચક ટ્રાફિક મળવાને કારણે રૂ. ૧૫ હજારથી રૂ.રપ હજાર સુધી જેવા વન-ટાઇમ મુસાફરીનાં ભાડા વસુલે છે.

આ રકમમાં જાણીતા વિદેશોનો પણ પ્રવાસ થઇ જાય તેટલી રકમ વસુલતી હોવા છતાં આર્થિક સંકટનું બહાનું અને વિમાનોની અછત બતાવી રાજકોટની વિમાની સેવા રદ્દ કરવા જઇ રહી છે ત્યારે સામાજિક અગ્રણીઓ શ્રી મુકેશભાઇ દોશી તથા ઉદ્યોગપતિ ઉપેનભાઇ મોદી ઉપરોકત વિગતો જણાવી વિરોધ કર્યો છે.

વધુમાં આ બન્ને અગ્રણીઓએ જણાવ્યું છે કે આ અંગે સરકારે જેટ-એરવેઝ પર દબાણ લાવી વિમાની સેવા બંધ ન થાય તે જોવું જરૂરી છે. કેન્દ્રનાં ઉડયન વિભાગે તાત્કાલીક અસરથી અન્ય કંપની જેવી કે ઇન્ડીગો એર, સ્પાઇસ જેટ વગેરેને રાજકોટ-મુંબઇ વિમાની સેવા માટે દબાણ કરવું જોઇએ તે પણ વ્યાજબી ભાડા સાથે શરૂ કરવું જોઇએ.

આ તકે નોંધનીય છે કે દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમની સરકારે જુદા-જુદા ૨૬ જેટલાં શહેરોમાં છેલ્લા થોડા સમયમાં નવા એરપોર્ટનું ખાત મૂહુર્ત કર્યું તથા ઘણા એરપોર્ટનું વિસ્તૃતિકરણ કર્યું. ત્યારે દેશભરમાં જેટ- એરવેઝ જેવી કંપનીઓ પોતાની અણ-આવડતને કારણે અથવા બીજા અન્ય કોઇ કારણોને લીધે હવાઇ મુસાફરી કરતાં લોકોને બાન પકડે તે કેટલે અંશે વ્યાજબી છે? હાલમાં વિમાની સેવામાં બોઇંગ ૭૩૭ મેકસ કોઇપણ ટેકનિકલ કારણોસર તુટી પડવાનાં બનાવો બની રહયા છે ત્યારે કેન્દ્રના ઉડયન વિભાગે તાત્કાલીક અસરથી આ વિમાનો પરત ખેંચવા જોઇએ.

આગામી એપ્રિલથી વિમાની સેવા બંધ કરવાન નિર્ણય અયોગ્ય છે. તેમ છતાં જો તે બંધ કરે તો તમામ ટીકીટ ધારકોને અન્ય વ્યવસ્થા કરી જેટ-એરવેઝ કંપનીએ તથા કેન્દ્રનાં ઉડયન વિભાગે લોકોની મુસાફરી કરવાની વ્યવસ્થા કરવી પડે તથા જો આમ ન થાય તો વિમાની ભાડા તેનું વ્યાજ તથા આર્થિક નુકશાની ભરપાઇ કરવી જોઇએ. તેમ મુકેશભાઇ દોશી, ઉપેનભાઇ મોદીએ માંગણી કરી છે.

(3:31 pm IST)
  • દાર્જીલીંગના ભાજપના બુથ લેવલના ડેટા લીક થઈ ગયા? તૃણમુલ કોંગ્રેસ તરફ અંગુલી નિર્દેશ: જાણીતા ડેટા એનાલીસ્ટ જી.પ્રધાને ટ્વીટ કરી જણાવ્યું છે કે ભાજપના દાર્જીલીંગ યુનિટના બુથ લેવલના જે ડેટા માહિતી એકત્ર કરાયેલ તે લીક કરવામાં આવ્યાનું અને ટીએમસીના હાથમાં પહોંચ્યા છે : નાણાની કમાલના જોરે આ ડેટાને એકથી બીજાના હાથમાં ચાલ્યા ગયાનો પણ નિર્દેશ કર્યો છે. access_time 11:28 am IST

  • સમજૌતા બ્લાસ્ટ કેસમાં સૌથી મોટો ચુકાદો : પુરાવાના અભાવે અસીમાનંદ સહિત ચારેય આરોપી મુકત : પંચકુલાની NIA કોર્ટનો ચુકાદો access_time 5:56 pm IST

  • બીજી સર્જીકલ સ્ટ્રાઈક આવી રહી છે?: જાણીતા ડેટા એનાલીસ્ટ જી. પ્રધાને તેમના એક ફોલોઅર રેણુકા જૈન - ચોકીદારના એક ટ્વીટનો જવાબ આપતા લખ્યુ છે કે 'અમે તેમને નિરાશ નહિં કરીએ.' રેણુકા જૈને લખ્યુ હતું કે રોજ હું સવારે ઉઠુ છુ ત્યારે શિવજી પ્રતિ મારો ભાવ પ્રગટ કરી સમાચારો જોવા લાગુ છું કે પાકિસ્તાન ઉપર બીજો હુમલો થયો કે નહિં? તેના જવાબમાં ડો.જી.પ્રધાને સુચક રીતે લખ્યુ છે કે ''અમે તમને નિરાશ નહિં કરીએ'' જેનો અર્થ એવો કઢાઈ રહ્યો છે કે આતંકીઓના છોતરા કાઢવા બીજી સર્જીકલ સ્ટ્રાઈક તોળાઈ રહી છે. access_time 11:28 am IST