Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

એરસ્ટ્રાઇક મુદ્દો ધીમો પડી જતાં ભાજપે 'ચોકીદારવાળી' વાત ઉપાડી

વિપક્ષો પાકિસ્તાનના મુદ્દાને અડતા જ નથી, મોદી સરકારની નિષ્ફળતા પર જ નિશાનઃ ચૂંટણી ટાણે જ લોકપાલની નિમણૂક ધ્યાન ખેંચનારીઃ ૧૯ મે સુધી માહોલ જાળવવો એ ભાજપ માટે મોટો પડકાર

રાજકોટ તા.૨૦: લોકશાહીમાં પ્રચારાત્મક દ્રષ્ટિએ કોઇ મુદ્દો લાંબો ચલાવવો ખૂબ મુશ્કેલ હોય છે. ૧૪ ફેબ્રુઆરીએ પુલવામા ખાતે ત્રાસવાદી હુમલો થયેલ. જેમાં૪૦ થી વધુ સુરક્ષા જવાનોનો ભોગ લેવાતા દેશમાં હાહાકાર મચી ગયેલ તેની સામે તા. ૨૬ ફેબ્રુઆરીએ વાયુસેનાએ એરસ્ટ્રાઇક કરતા દેશભરમાં રાષ્ટ્રવાદનો જુવાળ ઉભો થઇ ગયેલ. વડાપ્રધાન સહિત ભાજપના નેતાઓએ ભારતીય જવાનોના શૌર્યને સરકારની સફળતા ગણાવવા પ્રયાસ કરેલ. જે તે વખતે વિપક્ષો કેન્દ્ર સરકારને સાથ આપવા સિવાઇ કંઇ બોલી ન શકે તેવી સ્થિતિ હતી. સમય જતાં સંજોગો બદલાયા છે. એરસ્ટ્રાઇકનો મુદ્દો ચૂંટણી પ્રચારની દ્રષ્ટિએ ધીમો પડી જતા ભાજપે 'મેં ભી ચોકીદાર'નો નારો આપ્યાનું સમીક્ષકો નોંધે છે. ચૂંટણી જાહેર થઇ ગયા પછી લોકપાલની નિમણૂંક થઇ તે બાબત પણ ધ્યાન ખેંચનારી છે.મેં ભી ચોકીદાર' શબ્દ સરકારની સંપતિ અને સીમાડાની સુરક્ષા સાથે બંધ બેસતો કરી શકાય તેવો છે. વડાપ્રધાન આ નારા દ્વારા દેશની સલામતી અને ભ્રષ્ટાચાર સામેની લડતનો સંદેશ આપવા માંગે છે. જો કે સોશ્યલ મીડિયામાં ચોકીદાર તરફી અને વિરોધી પ્રચારની હોડ જામી છે.એરસ્ટ્રાઇકના પ્રચારનો પ્રભાવ ઓસરવા લાગતા ભાજપે હવે ચોકીદારવાળી વાત ચગાવી છે. કોંગ્રેસના 'ચોકીદાર ચોર હેૈ' પ્રચારની ધાર બુઠ્ઠી કરવાનો ભાજપનો પ્રયાસ છે. લોકસભાની ચૂંટણીનું છેલ્લું મતદાન ૧૯મેએ છે. ત્યાં સુધીમાં ભાજપ પ્રચારના અવનવા કીમીયા અજમાવશે તેમ માનવામાં આવે છે.

ભાજપે 'એર સ્ટ્રાઇક'ના મુદ્દાને ધગતો રાખવા પ્રયાસ કરેલ પરંતુ વિપક્ષોએ પોતાની રણનીતિ મુજબ શરૂઆતના તબક્કે સરકાર સામે એરસ્ટ્રાઇકની માહિતી બાબતે સવાલ ઉઠાવ્યા બાદ હવે ધ્યાન બીજા મુદ્દાઓ તરફ કેન્દ્રીત કર્યું છે. વિપક્ષોએ ભાવનાત્મક નહિ પણ પ્રજાની સમસ્યાને ચૂંટણી પ્રચારના મુદ્દો બનાવ્યો છે. પાકિસ્તાનવાળો મુદ્દો લોકોના મગજમાંથી કાઢવા કોંગ્રેસ સહિતના વિપક્ષોએ મોંઘવારી, ગરીબી, બેકારી, ખેડૂતોની સમસ્યા, ૧૫ લાખ આપવાનું વચન વગેરે મુદ્દે જ પ્રચાર શરૂ કર્યો છે. ભાજપ વહેતા મુકે તે મુદ્દા પકડવાના બદલે મોદી સરકારની નિષ્ફળતાને જ ચૂંટણીના મુદ્દા બનાવવાનો વિપક્ષોનો વ્યહુ છે.

(11:31 am IST)