Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

કાશ્મીરી આતંકવાદીઓના ફંડિગ મામલામાં ફસાયેલા અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું તહરીક-અે-હુર્રિયત કોન્‍ફરન્‍સના અધ્યક્ષપદેથી રાજીનામું

જમ્‍મુ-કાશ્‍મીરઃ કાશ્મીરી આતંકવાદીઓની ફંડિગના મામલામાં ફસાયેલા અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીએ સોમવારે તહરીક-એ-હુર્રિયત કોન્ફરન્સના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. તેઓ છેલ્લા 18 વર્ષથી અધ્યક્ષ પદે હતાં. તેમની જગ્યાએ વરિષ્ઠ હુર્રિયત નેતા મોહમ્મદ અશરફ સેહરાઇને સંગઠનના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. મહત્વનું છે કે, ગિલાનીએ વર્ષ 2001માં હુર્રિયત કોન્ફરન્સની સ્થાપના કરી હતી અને ત્યારથી તેઓ તેના અધ્યક્ષ હતાં.

મનાઇ રહ્યુ છે કે ટેરર ફંડિગ કેસમાં ઘેરાયેલા ગિલાનીએ રાષ્ટ્રીય તપાસ એજન્સીની કાર્યવાહીથી કંટાળી આ પગલું ઉઠાવ્યું છે. આ અગાઉ ગિલાનીએ શુક્રવારે દાવો કર્યો હતો કે તેમને ભારતની ગુપ્તચર એજન્સી આઈબીના એક અધિકારી તરફથી વાતચીતની ઑફર મળી હતી. જેને ગિલાનીએ ફગાવી હતી. અહીં જણાવવાનું કે થોડા દિવસપહેલા એનઆઈએ આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદ સાથે જોડાયેલા આતંકવાદી ફંડિગ તપાસના કેસમાં પાકિસ્તાન સમર્થક અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના દીકરાઓ સાથે પૂછપરછ કરી હતી.

ગિલાની અને તેના પરિવારની 150 કરોડ રૂપિયાની 14 સંપત્તિ એનઆઈએના નિશાના પર છે. ગિલાનીનો મોટો પુત્ર નઈમ વ્યવસાયે સર્જન છે અને નાનો દીકરો નસીમ જમ્મુ-કાશ્મીર સરકારનો કર્મચારી હતો. પિતા બાદ પાકિસ્તાન સમર્થક કટ્ટરપંથી સમૂહોના અલગતાવાદી સંગઠન તહેરીક-એ-હુર્રિયતના સ્વાભાવિક ઉત્તરાઘિકારી તરીકે નઈમને માનવામાં આવતા હતાં. સૂત્રોએ જણાવ્યું કે, આતંકવાદના ફંડિગ કેસમાં એજન્સીના અધિકારીઓએ ભાઈઓ સાથે પૂછપરછ કરી હતી. આ કેસમાં પાકિસ્તાન સ્થિત જમાત-ઉદ-દાવા અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નેતા સઈદનું નામ આરોપી તરીકે નોંધાયેલુ છે.

એનઆઈએએ ગયા વર્ષે 30 મેના રોજ ફરિયાદ નોંધી આતંકવાદી સંગઠનો સાથે અલગતાવાદી નેતાઓ પર મેળાપીપણાનો આરોપ લગાવ્યો હતો. શાળાઓમાં આગચંપી કરવી, સુરક્ષાદળો પર કાંકરીચાળો કરવો, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવું અને ભારત વિરુદ્ધ યુદ્ધ કરી કાશ્મીર ખીણમાં અશાંતિ ઉભો કરવાનો કેસ પણ નોંધાયેલો છે. તપાસ એજન્સીએ રાજ્યની સાથે હરિયાણા અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કેટલાંક સ્થળો પર તપાસ કરી હતી. કરોડો રૂપિયાના ઈલેકટ્રીક સાધનો અને કિમતી સાધનો પણ જપ્ત કર્યા હતાં.

(12:00 am IST)