Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

દેશમાં મોદીનો જાદુ યથાવત : હાલમાં લોકસભા ચૂંટણી યોજાય તો NDAને મળશે સ્પષ્ટ બહુમતી

ઈન્ડીયા ટૂડે અને સી-વોટર દ્વારા હાથ ધરવામાં આવેલા મૂડ ઓફ ધ નેશન સર્વેમાં ભાજપને પૂર્ણ બહુમતીનું અનુમાન : ભાજપને સૌથી વધારે 296 બેઠક મળવાનું અનુમાન : સૌથી વધુ 40.07 ટકા વોટની ધારણા UPAને 26.7 ટકા વોટ શેર મળવાનો અંદાજ : UPA મોરચાને 127 અને બીજા પક્ષોને 120 બેઠક : સર્વેમાં 35 ટકા લોકોએ પીએમ મોદીના કામકાજને વખાણ્યું

નવી દિલ્હી : દેશમાં મોદીનો જાદુ યથાવત છે ઈન્ડીયા ટૂડે અને સી-વોટર દ્વારા હાથ ધરવામાં આવેલા મૂડ ઓફ ધ નેશન સર્વેમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળવાનું જણાવાયું છે. સર્વેમાં ભાજપને સૌથી વધારે 296 બેઠક  મળવાનું અનુમાન છે. ભાજપને સૌથી વધારે વોટ શેર મળવાનું પણ જણાવાયું છે. 

મૂડ ઓફ ધ નેશન સર્વેમાં કોંગ્રેસની આગેવાનીવાળા UPA મોરચાને 127 અને બીજા પક્ષોને 120 બેઠક મળવાની ધારણા કરાઈ છે. UPAને 26.7 ટકા વોટ શેર મળવાનું જણાવાયું છે. 

સર્વેમાં પીએમ મોદીના કામથી લોકો ગદગદિત બન્યાં છે. સર્વેમાં 35 ટકા લોકોએ પીએમ મોદીના કામકાજને વખાણ્યું. તો 28 ટકા લોકોએ મોદી સરકારના કામકાજને યોગ્ય ન ગણાવ્યું. 12 ટકાએ લોકોએ પીએમના કામકાજને ખરાબ ગણાવ્યું. 

સર્વેમાં સામેલ 24 ટકા લોકોએ પ્રધાનમંત્રી તરીકે અમિત શાહને યોગ્ય ગણ્યાં છે તો 23 ટકા લોકોએ પીએમ તરીકે સીએમ યોગી આદિત્યનાથની પસંદગી કરી છે. 11 ટકા લોકોએ કહ્યું કે તેઓ નીતિન ગડકરીને પીએમ જોવા માગે છે. 

સર્વેમાં મોદી સરકારની સૌથી મોટી નિષ્ફળતા મોંઘવારી ગણાવાઈ છે. 25 ટકા લોકોએ કહ્યું કે મોંઘવારી મોદી સરકારની સૌથી મોટી નિષ્ફળતા  છે. 14 ટકા લોકોનું માનવું છે કે બેરોજગારી બીજી મોટી નિષ્ફળતા છે. 

(11:14 pm IST)