Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

નવી સંસદ ભવનનો અંદાજીત ખર્ચ રૂ. 200 કરોડ વધશે

નોડલ એજન્સી CPWDએ લોકસભા સચિવાલય પાસે ખર્ચ વધારવાની મંજૂરી માંગતા ટૂંકસમયમાં આ વધારા માટે મંજૂરી મળે તેવી શક્યતા

નવી દિલ્હી :સ્ટીલ, ઈલેક્ટ્રોનિક્સ અને અન્ય વસ્તુઓની કિંમતોમાં વધારાને કારણે નવી સંસદ ભવનનો અંદાજીત ખર્ચ રૂ. 200 કરોડ વધશે. સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (CPWD) ટૂંક સમયમાં આ વધારા માટે લોકસભા સચિવાલય પાસેથી મંજૂરી મેળવે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા સંસદ ભવનનાં નિર્માણ માટેની નોડલ એજન્સી CPWDએ આ મહિનાની શરૂઆતમાં લોકસભા સચિવાલય પાસે ખર્ચ વધારવાની મંજૂરી માંગી હતી. આ વધારા બાદ ખર્ચ 1200 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે.

નવી સંસદ ભવન બનાવવાનું કામ વર્ષ 2020માં 971 કરોડ રૂપિયામાં ટાટા પ્રોજેક્ટ્સને સોંપવામાં આવ્યું હતું. બાંધકામ ઓક્ટોબર 2022 સુધીમાં પૂર્ણ કરવાનું હતું. સરકારની યોજના વર્ષ 2022નું શિયાળુ સત્ર નવા બિલ્ડિંગમાં યોજવાની હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટની કિંમત વધવા પાછળનું મુખ્ય કારણ સ્ટીલની વધતી કિંમત છે. આ બિલ્ડીંગ હવે સિસ્મિક ઝોન-5ના નિયમો અનુસાર બનાવવામાં આવી રહી છે.

આધુનિક ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમના કારણે ઈલેક્ટ્રોનિક્સ સાધનોની કિંમત પણ વધી છે. બંને ગૃહોમાં સાંસદોની બેઠકો પર ટેબલેટ ગોઠવવાના છે. મિટિંગ રૂમ અને મંત્રીઓની ચેમ્બરમાં અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરવાનો છે.

સુપ્રીમ કોર્ટના અનેક નિર્દેશોને કારણે પણ ખર્ચમાં વધારો થયો છે. ઉદાહરણ તરીકે, બાંધકામ સ્થળ પરથી ખોદવામાં આવેલી માટીને બાદરપુરના ઈકો પાર્કમાં લઈ જવામાં આવશે. તે વેચી શકાતું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભા સચિવાલય ટૂંક સમયમાં ખર્ચ વધારાના પ્રસ્તાવને મંજૂરી આપી શકે છે.

(10:58 pm IST)