Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

પાકિસ્તાનના રાવલપિંડીની સેશન્સ કોર્ટે વોટ્સઍપ ઉપર વાંધાજનક મેસેજ મોકલવા બદલ મહિલાને મૃત્યુદંડની સજા અને ૧.૫ લાખનો દંડ ફટકાર્યો

અનિકા અતીક નામની દોષિત મહિલાઍ વોટ્સઍપ ઉપર પૈયગંબર મોહમ્મદ સાહેબ અને તેમના પત્ની વિશે વાંધાજનક મેસેજ મોકલ્યા હતા

રાવલપિંડી: પાકિસ્તાનના રાવલપિંડીની એક સેશન્સ કોર્ટે બુધવારે એક મુસ્લિમ મહિલાને ઈશનિંદાના આરોપમાં મૃત્યુદંડની સજા ફટકારી છે. આ સાથે મહિલાને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે અને તેની સાથે દોઢ લાખ રૂપિયા પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
કોર્ટે ચુકાદો સંભળાવતા કહ્યું કે એ સાબિત થયું છે કે અનીકા અતીક નામની દોષિત મહિલાએ વોટ્સએપ પર પૈયગંબર મોહમ્મદ સાહેબ અને તેમના પત્ની આયેશાને લઈને વાંધાજનક મેસેજ મોકલ્યા હતા.
કોર્ટે કહ્યું કે અનિકા અતીક તેની નિર્દોષતાના પુરાવા રજૂ કરી શકી નથી, તેથી તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે.
પોલીસ સ્ટેશન FIA (સાયબર ક્રાઈમ સર્કલ) રાવલપિંડીએ 13 મે 2020 ના રોજ હસનત ફારૂક નામના વ્યક્તિની ફરિયાદ પર એફઆઈઆર નોંધી હતી જેમાં તેણે અનિકા પર ઈશનિંદાનો આરોપ લગાવ્યો હતો.
અનિકાના વકીલે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે ઘટના સમયે આરોપીની માનસિક સ્થિતિ સારી નહોતી. આ પછી, મેજિસ્ટ્રેટે માનસિક પરીક્ષણનો આદેશ આપ્યો હતો, જે હજુ બાકી છે.

(4:51 pm IST)