Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

યુપીમાં ભાજપના સ્ટાર પ્રચારકોનુ લિસ્ટ જાહેરઃ વરૂણ ગાંધી અને અજય મિશ્ર ઉર્ફે ટેનીની બાદબાકી

પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના ભાજપના મોટા નેતાઓના નામ સામેલ છે

લખનૌ, તા. ૨૦: ભાજપે યુપી વિધાનસભા ચૂંટણી માટે ૩૦ સ્ટાર પ્રચારકોનુ લિસ્ટ જાહેર કર્ય છે.જેમાં પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના ભાજપના મોટા નેતાઓના નામ સામેલ છે.

જોકે ધ્યાન ખેંચનારી વાત એ છે કે, છેલ્લા કેટલાક સમયથી પોતાની પાર્ટી સામે બાંયો ચઢાવનારા વરુણ ગાંધી તેમજ રાજય કક્ષાના કેન્દ્રીય ગૃહ મંત્રી અજય મિશ્ર ટેનીનુ નામ આ યાદીમાં નથી.

અજય મિશ્ર ઉર્ફે ટેની લખીમપુર ખીરી હિંસાથી વિવાદમાં આવ્યા હતા.અહીંયા ખેડૂતો પર જીપ ચઢાવી દેવાના આરોપસર તેમના પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને હાલમાં તે જેલમાં છે.

આ મુદ્દે વિપક્ષ દ્વારા અગાઉ પણ અવાર નવાર મોદી સરકાર પર નિશાન સાધવામાં આવેલુ છે.

જયારે મેનકા ગાંધીના પુત્ર તેમજ યુપીના સાંસદ વરૂણ ગાંધી ખેડૂત આંદોલન દરમિયાન અવાર નવાર પાર્ટી વિરોધી સૂર વ્યકત કરી ચુકયા છે.

(10:03 am IST)