Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

ગુગલ મેપથી હિલ સ્ટેશને જતી ફોર્ચ્યુનર ડેમમાં ખાબકી

ગુગલ મેપ્સનો ઉપયોગ કરતા લોકો માટે ચેતવણી : મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવાડના ૩ ઉદ્યોગ સાહસિકો ફરવા નિકળ્યા હતા, એકનું મોત, બે તરીને બહાર નિકળી ગયા

પિંપરી, તા. ૨૦ : ઘણા લોકો અજાણ્યા વિસ્તારોમાં મુસાફરી કરતી વખતે તેમનો રસ્તો શોધવા માટે ગૂગલ મેપ્સનો ઉપયોગ કરે છે. જો કે, ક્યારેક મેપ્સના કારણે લેવા નકર દેવાના પડી જાય છે. આવું જ કંઈક મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવાડના ત્રણ ઉદ્યોગ સાહસિકો સાથે પણ થયું અને તેમને પણ આવો જ અનુભવ હતો. ગૂગલે તેમને રસ્તો બતાવ્યો ખરો પરંતુ તે સીધો તેમને ડેમ તરફ લઈ ગયો અને આ કારણે જ તેમની કાર ડૂબી ગઈ. જેમાં એકનું મોત નીપજ્યું, પરંતુ બે વ્યક્તિ માંડ તરીને બહાર આવી શકી.

આ ઘટના મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના અકોલા તાલુકામાં બની છે. મૂળ કોલ્હાપુરના પરંતુ હવે પુણે સ્થિત આ ત્રણ વેપારી મિત્રો વીકેન્ડમાં મહારાષ્ટ્રના સૌથી ઊંચા શિખર કળસુબાઇ પર ટ્રેકિંગ કરવા ગયા હતા. ગુરુ સત્યરાજ શેખર (ઉં. ૪૨, સમીર રાજુરકર (ઉં.૪૪) તેમની સાથે સતીશ સુરેશ ઘુલે (ઉં. ૩૪, રહે. પિંપરી) ઘુલે સાથે તેની કાર(એમએચ ૧૪ કેવાય ૪૦૭૯) ફરવા માટે નીકળ્યા હતા. જોકે તેમને રસ્તો ખબર ન હોવાથી તેઓએ ગૂગલ મેપ્સ પર આધાર રાખ્યો. ગુગલે તેમને અકોલા જવા માટે નજીકનો રસ્તો બતાવ્યો હતો. જોકે આ રસ્તો વરસાદની સીઝન પછી ખરેખર બંધ હોય છે. કારણ કે રસ્તામાં આવેલો તેનો પુલ પિંપળગાંવ ખાંડ ડેમના પાણીની નીચે ગરક થઈ જાય છે. કોઈ આ રસ્તા પરથી ચાલતું નથી કારણ કે સ્થાનિકો તો આ વાત જાણે છે. હાલમાં પણ આ પુલ પર લગભગ ૨૦ ફૂટ પાણી છે. રાત્રીના અંધકારમાં વાતોમાં મસ્ત અને અજાણ્યો રસ્તા હોવાથી તેમણે ગૂગલ મેપ્સ પર વિશ્વાસ કરીને ઘુલે કાર ચલાવી. જો કે, તે સીધા ઊંડા પાણીમાં જઈ પડ્યા હતા. કાર પાણીમાં પડ્યા બાદ ગુરુ શેખર અને સમીર રાજુરકર કારમાંથી જેમ તેમ બહાર નીકળ્યા અને કોઈક રીતે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા. પરંતુ સતિષ ઘુલેનું મોત નીપજ્યું હતું.

જ્યારે ડેમમાં પાણીનું સ્તર વધારે હોય છે ત્યારે આ પૂલ પાણીમાં ગરક થઈ જાય છે. તે સમયે પુલ પરથી જતો રસ્તો બંધ હોય છે. હાલ પણ આ પુલ બંધ છે. જો કે ત્યાં બાંધકામ વિભાગ દ્વારા કોઈ સૂચના કે અવરોધ ઉભા કરવામાં આવ્યા નથી. અંધારામાં કારના ચાલકને આવી કોઈ અપેક્ષા નહોતી. તેથી પ્રથમ દ્રષ્ટિથી લાગે છે કે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની માહિતી મળતાં વિસ્તારના સ્થાનિક લોકો બચાવ કામગીરી માટે દોડી ગયા હતા. પીડિતોનાં સબંધીઓ પણ ત્યાં આવ્યા હતા. કાર અને ચાલકની લાશ પાણીની બહાર કાઢવામાં આવી હતી.

જોકે આ ઘટનાથી લોકોમાં રોષ પણ દેખાઈ રહ્યો છે તેમજ રસ્તા પર કોઈ સૂચના કે આડાશ ન મૂકીને પોતાના કામમાં બેદરકારી દાખવનારા સરકારી અધિકારીઓ વિરુદ્ધ પગલા લેવા માટે માગણી ઉઠી રહી છે. તો બીજી તરફ ગુગલ મેપ સહિતની ટેક્નોલોજીના આધારે આપણે કેટલી આંધળી દોટ મૂકી શકીએ તે પણ એક પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે.

(7:39 pm IST)
  • મમતા બેનરજીએ નેતાજી બોઝની જન્મજયંતિને દેશનાયક દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી: મોદી સરકારે નેતાજી બોઝની જન્મજયંતિને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું : મોદી સરકારના નિર્ણયને મમતા બેનર્જીએ રાજનીતિ પ્રેરિત ગણાવ્યો access_time 12:55 am IST

  • પશ્ચિમ બંગાળના શાંતીપૂર્ણ ધારાસભ્ય અરીન્દમ ભટ્ટાચાર્ય ભાજપમાં દાખલ થઈ ગયા : તેમણે કહ્નાં કે પશ્ચિમ બંગાળના યુવાનોનુ અત્યારે કોઈ ભવિષ્ય નથી અને અત્યારે તેમની પાસે કોઈ કામ નથી access_time 5:42 pm IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,183 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,10,632 થઇ :એક્ટિવ કેસ 1,90,498 થયા: વધુ 17,751 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,62,843 થયા :વધુ 132 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,886 થયા access_time 1:13 am IST