Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

સૌરાષ્ટ્રમાં વિજયભાઇના હસ્તે ૪ જિલ્લામાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત - લોકાર્પણ

દ્વારકાના શિવરાજપુર બીચમાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત - જુનાગઢમાં ભૂગર્ભ ગટરની યોજનાનો શુભારંભ : કેશોદમાં રેશનકાર્ડ ધારકો સાથે સંવાદ : નવાબંદરમાં જેટીનું ખાતમુહૂર્ત

જુનાગઢ : આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે જુનાગઢ - કેશોદમાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત - લોકાર્પણ કરવામાં આવનાર છે જેની તૈયારી થતી નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

રાજકોટ તા. ૨૧ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આજે સૌરાષ્ટ્રના ૪ જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે.

દ્વારકા

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા : દેવભુમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ ખાતે આજે સવારે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

શિવરાજપુર બીચ ખાતે ફેઝ-૧ અંતર્ગત આશરે રૂ. ૨૦ કરોડના ખર્ચે અરાઈવલ પ્લાઝા, ઈન્ટરવેન્શન સેન્ટર, ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર, સાઈકલ ટ્રેક, પ્રોમોનેડ, લોકર રૂમ, પાથ-વે, સાઈનેજીસ, પીવાના પાણીની સુવિધા, પાર્કિંગ, ટોઈલેટ બ્લોક, ઈલેકટ્રીક વર્ક, અન્ડર ગ્રાઉન્ડ ટેંક સહિતની સુવિધાઓનું નિર્માણ કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દ્વારકાથી ૧૧ કિલોમીટરના અંતરે આવેલા શિવરાજપુર બીચને 'બ્લુ ફલેગ બીચ'માં સ્થાન પ્રાપ્ત થયું છે. શિવરાજપુર બીચને બ્લુ ફલેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થતાં ગુજરાતના પ્રવાસનને વેગ પ્રાપ્ત થયો છે. શિવરાજપુર બીચ સહિત ભારતના ૮ બીચને પણ બ્લુ ફલેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો છે.

ડેન્માર્કમાં કાર્યરત નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન 'ધ ફાઉન્ડેશન ફોર એનવાર્યમેન્ટ એજયુકેશન' દ્વારા ૧૧ ઓકટોમ્બરના રોજ 'બ્લુ ફલેગ બીચ'નું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

જૂનાગઢ

જૂનાગઢ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આજે જૂનાગઢ અને કેશોદ ખાતે યોજાનાર વિવિધ ખાતમુહૂર્ત- લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

જૂનાગઢ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૨-૧૫ કલાકે રૂ.૩૧૯.૪૮ કરોડની ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરશે. તેમજ સાસણ ખાતે નિર્માણ થનાર રૂ.૩૨ કરોડના પ્રવાસનના વિકાસકામોનું ખાતમુહુર્ત કરશે. જયારે કેશોદ ખાતે બપોરે ૨ કલાકે આઇટીઆઇ ખાતેથી રૂ.૨૭.૫૩ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત- લોકાર્પણ કરશે. તેમજ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ ૫૦ લાખ લાભાર્થીઓના સમાવેશ અન્વયે રાજયના ૧૦૧ તાલુકાઓમાં આયોજીત સામુહિક અભિવાદન કાર્યક્રમમાં વર્ચયુલી સહભાગી થશે.

મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર વિવિધ કાર્યક્રમો સંદર્ભે જૂનાગઢ જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીના માર્ગદર્શન તળે જિલ્લા પોલીસ, પાણી પુરવઠા બોર્ડ, માર્ગ મકાન વિભાગ, મ્યૂનીસીપલ કોર્પોરેશન સહિત તમામ વિભાગો ધ્વારા તૈયારીઓ પુર્ણ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા,નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા,પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા,સાંસદશ્રી રાજેશભાઇ ચૂડાસમા સાસંદ શ્રી રમેશભાઈ ધડુક,ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ,મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ અન્ય પદાધિકારીઓ અધિકારીઓ સહભાગી થશે.  ત્યારબાદ ઉના તાલુકાના નવા બંદર ખાતે જેટીનું ખાતમુહૂર્ત કરશે.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી : આજે બપોરે ૨ થી ૪ દરમિયાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જૂનાગઢના કેશોદ ખાતે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ ૧૦ લાખ કુટુંબોના ૫૦ લાખ લાભાર્થીઓના સમાવેશ અન્વયે સામુહિક અભિવાદન કાર્યક્રમ યોજાનાર છે. જેનું લાઈવ પ્રસારણ રાજયના ૧૦૧ તાલુકાઓમાં થવાનું છે જેના અનુસંધાને અમરેલી જિલ્લામાં નવા ખેડૂત તાલીમ કેન્દ્ર લીલીયા રોડ અમરેલી ખાતે સાંસદશ્રી નારણભાઇ કાછડીયાની ઉપસ્થિતિમાં, સાવરકુંડલા એપીએમસી ખાતે પૂર્વ મંત્રીશ્રી વી વી વઘાસીયાની ઉપસ્થિતિમાં અને ધારી એપીએમસી ખાતે ધારાસભ્ય શ્રી જે. વી. કાકડીયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાશે.

(11:02 am IST)