Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

ફેકટરીઓમાં ૬૦ થી ૭૦ જેટલી ક્ષમતા સાથે કામકાજ

ઇલેકટ્રીકલ વાયર - કેબલ - ઉપકરણોના ઉત્પાદન અને વેપારની સ્થિતિ ઝડપથી સામાન્ય થઇ રહી છે

મુંબઇ તા. ૨૦ : લોકડાઉન હળવો કરવાને પગલે ઈલેકટ્રીકલ વાયર, કેબલ અને ઉપકરણોમાં ઉત્પાદન અને વેપારની સ્થિતિ ઝડપભેર સામાન્ય બની રહી છે. ઉદ્યોજક સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુંબઈની આસપાસ અને અન્યત્ર પ્રસરેલાં વાયર-કેબલ બનાવતાં કારખાનાઓમાં ક્ષમતાનો વપરાશ ૬૦થી ૭૦ ટકાએ પહોંચી ગયો છે. મુંબઈની આસપાસ ઈલેકટ્રીકલ ચીજોનુ ઉત્પાદન અને વિતરણ કરનાર બિઝનેસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અગાઉ કોરોનાને લીધે વતન જતા રહેલા કામદારો પૈકી ૬૦-૭૦ ટકા હવે પાછા ફર્યા હોવાથી અને મહારાષ્ટ્ર-મુંબઈમાં કોરોનાનુ પ્રમાણ ઘટવાને લીધે ઉત્પાદન અગાઉના મહિનાઓની સરખામણીમાં સારૂ એવું વધ્યું છે.

જો કે છેલ્લા બે-ત્રણ મહિનામાં વાયર-કેબલ બનાવવામાં વપરાતા તાંબા અને પ્લાસ્ટિકના ભાવમાં ૩૦ ટકા સુધીનો જબ્બર ભાવવધારો થયો છે. તાંબાની આયાત રૃંધાવા સાથે હન્ટેનરોના ભાડા ૨૦૦ ટકા વધ્યા હોવાથી કાચા માલની થોડી તંગી પડવાથી તૈયાર વાયર કેબલના ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો થઈ ચૂકયો છે. મુંબઈમાં નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન રીયલ એસ્ટેટમાં વિક્રમી વેચાણ થવાના અહેવાલથી ઈલેકટ્રીકલ્સ બજારમાં માગ વધવાની આશા પ્રબળ બની છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાયર-કેબલમાં વપરાતા પ્લાસ્ટિક અને તાંબા-એલ્યુમિનિયમના ભાવ વધવા છતાં માગ અગાઉની સરખામણીએ ઘણી સુધરી છે. મેટલ અને ઈલેકટ્રીકલ એપ્લાયન્સીસની માગ ધીમી છે, પરંતુ શહેરની ઉપનગરીય ટ્રેન સેવાઓ નિયમિત શરૂ થયા પછી ફરીથી છૂટક માગ વધશે.

ઈલેકટ્રીકલ્સ મર્ચન્ટસ એસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ જતીન મોદીએ આશા વ્યકત કરી છે કે રિયલ એસ્ટેટ ક્ષેત્રે વેચાણ વધવાથી નવા એપ્લાયન્સીસની ખરીદી ફેબ્રુઆરી-માર્ચ સુધીમાં જરૂર વધશે. બીજી તરફ પરપ્રાંતના કામગારો પાછા ફરવાનું ચાલુ રહ્યું હોવાથી ઉત્પાદન વધવાની સંભાવના જોતાં આગામી બે મહિનામાં ઈલેકટ્રીકલ્સ બજારો અગાઉની જેમ ધમધમતાં થઈ જશે, એમ તેમણે કહ્યું હતું.

(10:25 am IST)