Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

નિર્ભયા કેસ:હાઇકોર્ટે દોષિત પવન કુમાર ગુપ્તાની અરજી ફગાવી: વકીલને 25 હજારનો દંડ ફટકાર્યો

આ અરજી સુનાવણી યોગ્ય નથી, કેમકે સુપ્રીમ કોર્ટ પહેલા જ પવન ગુપ્તાની પુનર્વિચાર અરજીને ફગાવી દીધી છે

 

નવી દિલ્હી : નિર્ભયા ગેંગરેપ કેસમાં દોષિત પવન કુમાર ગુપ્તાની અરજી હાઇકોર્ટ ફગાવી દીધી છે. કોર્ટે વકીલને પણ 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પહેલા દિલ્હી હાઇકોર્ટે સુનાવણી 24 જાન્યુઆરી સુધી ટાળી દીધી હતી, પરંતુ નિર્ભયાના વકીલની દખલ બાદ હવે આજે સુનાવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો .

પવનના વકીલ એપી સિંહએ નવા દસ્તાવેજ રજૂ કરવાનો સમય માંગ્યો હતો. જેના પર કોર્ટે સુનાવણી ટાળી દીધી હતી. દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી પવને પોતાને સગીર બતાવ્યો છે. પોતાની અરજીમાં પવને કહ્યું કે 2012માં તે સગીર હતો અને તેની સાથે જુવેનાઇલ જસ્ટિસ લૉ હેઠળ કાર્યવાહી કરવામાં આવે.

નિર્ભયા ગેંગરેપ મામલામાં ફાંસીની સજા મેળવનારા પવન ગુપ્તાએ પોતાની અરજીમાં દાવો કર્યો કે તે ડિસેમ્બર 2012માં થયેલી ઘટના સમયે સગીર હતો અને ટ્રાયલ કોર્ટે ખોટી રીતે તેની વિરુદ્ધ કામ કર્યું. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ટ્રાયલ કોર્ટે એક સગીર તરીકે તેઓના અધિકારોનું હનન કર્યું છે.

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે અરજી સુનાવણી યોગ્ય નથી, કેમકે સુપ્રીમ કોર્ટ પહેલા પવન ગુપ્તાની પુનર્વિચાર અરજીને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં પવને જ્યારે પોતાની પુનર્વિચાર અરજી દાખલ કરી હતી તો તેમા સગીર હોવા અંગેની કોઇ વાત સુપ્રીમ કોર્ટની સામે રાખી નહોતી. એવામાં હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજી માત્ર સમય બરબાદ કરવા માટે કરાઇ છે. જેથી ફાંસીની સજાને ટાળી શકાય.

સાથે હાઇકોર્ટે કહ્યું કે, જુવેનાઇલ એક્ટના સેક્શન 7 (A) હેઠળ ક્યારેય પણ પવને કોઇ અરજી દાખલ નથી કરી, જ્યારે 2012થી સુપ્રીમ કોર્ટના મામલો 2018 સુધી ચાલ્યો.હતો 

 

(10:56 pm IST)