Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

સરહદ પર મિસાઇલો તૈનાત કરાઈ : પાકિસ્તાનની દલીલ

ભારત ઉશ્કેરણીજનક કૃત્ય કરી રહ્યું છે : કાશ્મીરમાં ગંભીર સ્થિતિથી દુનિયાનું ધ્યાન અન્યત્ર દોરવા પાકિસ્તાન પર ભારત હુમલા કરી શકે છે : પાકની દલીલો

ઇસ્લામાબાદ, તા. ૧૯  :પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમુદ કુરેશીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને એક પત્ર લખ્યો છે જેમાં દાવો કર્યો છે કે, ભારતે કાશ્મીરથી જોડાયેલી સરહદ ઉપર જુદા જુદા પ્રકારની મિસાઇલો તૈનાત કરેલી છે. કાશ્મીરની ગંભીર સ્થિતિથી દુનિયાનું ધ્યાન અન્યત્ર દોરવા માટે પાકિસ્તાન પર હુમલા કરવામાં આવી શકે છે. અત્રે નોંધનીય છે કે, નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતીય સેનાના વડા બિપીન રાવતે કહ્યું છે કે, સરહદ ઉપર સ્થિતિ કોઇપણ સમય બગડી શકે છે. સેના પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે.

               એમ માનવામાં આવે છે કે, પાકિસ્તાન આર્મી ચીફના નિવેદનથી ભયભીત છે અને સુરક્ષા પરિષદમાં ખોટા નિવેદન કરવામાં આવી રહ્યા છે. ૧૨મી ડિસેમ્બરના દિવસે સુરક્ષા પરિષદ અને યુએન મહાસચિવના નામ પોતાના પત્રમાં કુરેશીએ કહ્યું છે કે, ભારતીય કાર્યવાહીથી દક્ષિણ એશિયામાં પહેલાથી ચાલી રહેલી હિંસા અને અન્ય સ્થિતિ વધે તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કુરેશીએ પોતાના પત્રમાં દાવો કર્યો છે કે, ભારતે જુદા જુદા વિસ્તારમાં ટેસ્ટિંગ મિસાઇલો ગોઠવી દીધી છે.

              તાજેતરના મહિનાઓમાં કુરેશીએ પોતાના પત્રોના માધ્યમથી સંયુક્તરાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય મંચ ઉપર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. બીજી બાજુ ભારતે વારંવાર કહ્યું છે કે, પાકિસ્તાન દ્વારા બિનજરૂરીરીતે કાશ્મીર મુદ્દાને ઉઠાવવામાં આવી રહ્યો છે. ભારતીય સરહદ પર મિસાઇલો તૈનાત કરવામાં આવ્યા બાદ સ્થિતિ વધુ વણસે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. પાકિસ્તાન દ્વારા વારંવાર ઉશ્કેરણીજનક કૃત્યો પહેલા પણ કરવામાં આવ્યા છે જેના ભાગરુપે હાલમાં પાકિસ્તાનની સેનાએ સરહદી જવાનો ઉપર હુમલા કરવાના પ્રયાસો કર્યા છે.

(8:07 pm IST)