Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

નાગરિકતા કાનૂન : દિલ્હી સહિત દેશના જુદા જુદા વિસ્તારમાં હિંસા

વિરોધ પ્રદર્શનથી જનજીવન ખોરવાયું, ઘણી જગ્યાએ તોડફોડ : દિલ્હીમાં ૧૭ મેટ્રો સ્ટેશનને બંધ કરવાની ફરજ : મોબાઇલ, ઇન્ટરનેટ અને એસએમએસ સેવા બંધ કરાઈ : તોફાની તત્વોની સંપત્તિ જપ્ત કરાશે : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ

નવી દિલ્હી, તા. ૧૯ : નાગરિક સુધારા કાનુનની સામે દેશના જુદા જુદા ભાગોમાં આજે હિંસક વિરોધ પ્રદર્શન થયા હતા. ઉત્તરપ્રદેશ, ગુજરાત, દિલ્હી સહિતના રાજ્યોમાં વિરોધ પ્રદર્શનનો દોર જારી રહ્યો હતો. દેશભરમાં જુદી જુદી જગ્યાઓમાં દેખાવો કરાયા હતા. મેટ્રો સ્ટેશનોને બંધ કરવાની ફરજ પડી હતી. કેટલીક જગ્યાએ વ્યાપક તોડફોડ પણ થઇ હતી. નાગરિક કાનૂનને લઇને થઇ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે આજે બંધની હાકલ કરવામાં આવી હતી જેની ઘણી જગ્યાએ માઠી અસર થઇ હતી. ટેલિકોમ ઓપરેટરોને કેટલાક વિસ્તારમાં મોબાઇલ સેવા બંધ કરવા માટે દિલ્હી પોલીસે કહ્યું હતું. સાથે સાથે મોબાઇલ સેવા એટલે કે મોબાઇલ ઇન્ટરનેટ, એસએમએસ અને વોઇસ કોલની સેવા બંધ કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશમાં પણ ઘણી જગ્યાએ જોરદાર દેખાવો કરવામાં આવ્યા હતા. પ્રતિબંધાત્મક આદેશો પણ જારી કરવામાં આવ્યા હતા. વહીવટીતંત્ર તરફથી દેખાવ કરવાની કોઇને પરવાનગી અપાઈ નથી તેમ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું. બીજી બાજુ બંગાળના કેટલાક ભાગોમાં પણ દેખાવો થયા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે, સ્થિતિ કાબૂમાં છે.

          તોફાની તત્વોની સંપત્તિને જપ્ત કરવામાં આવશે. મોટાભાગના શહેરોમાં દેખાવો થયા હતા. પણજીમાં પણ દેખાવો કરાયા હતા. આજે લેફ્ટ વિંગ અને કેટલાક મુસ્લિમ સંગઠનો દ્વારા આપવામાં આવેલા બંધના કારણે જનજીવન પર અસર થઇ હતી. બિહારના દરભંગામાં તેમજ પટણા ખાતે ટ્રેનો રોકવામાં આવી હતી. જેથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક ભાગોમાં બંધની અસર દેખાઇ હતી. જ્યારે કેટલાક ભાગોમાં બંધની કોઇ અસર રહી હતી. કોઇ પણ સમસ્યાને ટાળવા માટે દિલ્હીમાં મથુરા રોડ-કાલિંદી કુંજ વચ્ચે રોડ નંબર ૧૩ પર ટ્રાફિક મુવમેન્ટને બંધ કરવાની ફરજ પડી હતી. ઉપરાંત દિલ્હીના મેટ્રોના ૧૪ સ્ટેશનો પર એન્ટ્રી અને એગ્ઝિટ ગેટને બંધ કરવાની ફરજ પડી હતી. લાલ કિલ્લાની આસપાસ કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. દિલ્હી મેટ્રોના અનેક સ્થળોને બંધ કરવામાં આવ્યા છે. દિલ્હીના સીલમપુરમાં ૧૭મી ડિસેમ્બરના દિવસે થયેલી હિંસાના સંબંધમાં ૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

            આની સાથે ઝડપાયેલા લોકોની સંખ્યા વધીને ૧૮ સુધી પહોંચી ગઇ છે. તમામ જગ્યાએ સુરક્ષા વ્યવસ્થાને મજબુત કરવામાં આવી છે. હાલમાં બનેલા નવા નાગરિક કાનુનની સામે હિંસક પ્રદર્શન જારી છે. ગઇકાલે નાગરિક સુધારા કાનુનને પડકાર ફેંકીને દાખલ કરવામાં આવેલી જુદી જુદી ૫૯ અરજીઓ પર સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ ફટકારી હતી. સાથે સાથે કેન્દ્ર સરકારને જાન્યુઆરીના બીજા સપ્તાહ સુધી પોતાનો જવાબ રજૂ કરવા માટેનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે નવા કાનુન પર સ્ટે મુકવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. સાથે સાથે કહ્યુ છે કે હજુ તે લાગુ નથી ત્યારે તેના પર સ્ટેનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. મામલાની આગામી સુનાવણી ૨૨મી જાન્યુઆરીના દિવસે કરવામાં આવનાર છે. અરજી કરનાર લોકો દ્વારા નાગરિક સુધારા કાનુનને પડકાર ફેંકીને રજૂઆત કરી હતીનાગરિક સુધારા કાનુન પાસ કરવામાં આવ્યા બાદ ત્રણ પડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેેશ અને અફઘાનિસ્તાનમાંથી ધાર્મિક અત્યાચારનો સામનો કરી રહેલા લઘુમતિ શરણાર્થી લોકોન ભારતીય નાગરિકતા આપવામાં આવનાર છે.

            આ કાનુન હેઠળ ત્રણ દેશોના લઘુમતિ લોકો હિન્દુ, શિખ, ખ્રિસ્તી  અને બૌદ્ધ સમુદાયના લોકોને નાગરિકતા આપવામાં આવનાર છે. જે લોકો સમુદાયના લોકો ૩૧મી ડિસેમ્બર ૨૦૧૪ પહેલા ભારત આવ્યા હતા તેમને ભારતની નાગરિકતા આપવામાં આવનાર છે. નાગરિક સુધારા બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે ગયા  સપ્તાહમાં મંજુરી આપી હતી. બિલ પર હસ્તાક્ષર કર્યા હતા. મઉમાં નાગરિક કાનૂનના વિરોધમાં હિંસક વિરોધ પ્રદર્શન પછી ૯૦ લોકોને ઓળખી કાઢીને ૬૦૦ વણઓળખાયેલા લોકો સામે ત્રણ એફઆઈઆર દાખલ કરી છે. સાથે સાથે ૩૧ લોકોની ધરપકડ કરી લીધી છે. ૧૯ આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. ૧૨ની પુછપરછ કરવામાં આવી રહી છે. બીજી બાજુ હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે સ્થિતિને હળવી કરવાના વધુને વધુ પ્રયાસો સરકાર તરફથી કરવામાં આવી રહ્યા છે. સિલમમાં નાગરિક બિલના વિરોધમાં હિંસા બાદ કેસના સંદર્ભમાં દિલ્હી પોલીસે બે એફઆઈઆર દાખલ કરી છે. જાફરાબાદમાં થયેલી હિંસાની ઘટના પર દિલ્હી પોલીસે આઈપીસીની હિંસા ભડકાવવા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના મામલામાં બે એફઆઈઆર દાખલ કરી છે.

             આ કેસમાં પાંચ લોકોને કસ્ટડીમાં લેવામાં આવી ચુક્યા છે. હવે લોકોની ધરપકડ થવાના અહેવાલ મળ્યા છે. સિલમપુરમાં હિંસાના મામલામાં પાંચ લોકોને કસ્ટડીમાં લઇને તપાસ ચાલી રહી છે. જ્યારે દિલ્હીમાં સિલમ વિસ્તારમાંથી થયેલી હિંસા મામલે બે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. મંગળવારના દિવસે થયેલી હિંસામાં પોલીસ પર પથ્થરમારો કરાયો હતો અને કેટલીક બસોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જામિયા હિંસામાં પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર મુજબ તોફાની તત્વોને રોકવા માટે પોલીસે ટીયરગેસના ૭૫ સેલ છોડ્યા હતા. જોરદાર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ગુજરાતના પણ કેટલાક ભાગોમાં બંધની અસર દેખાઇ હતી. જો કે કોઇ કાર્યક્રમને મંજુરી આપવામાં આવી હતી. પટણામાં  ટ્રેનો રોકવામાં આવતા તંગદીલી ફેંલાઇ હતી. કેટલીક જગ્યાએ લોકો બંધના કારણે અટવાઇ ગયા હતા.

(8:11 pm IST)