Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

" ગ્લોબલ જેન્ડર ગેપ ": વૈશ્વિક સ્તરે પુરુષ અને સ્ત્રી વચ્ચેના જાતીય ભેદભાવમાં ભારત 112 ક્રમે : નેપાળ (101મા) અને બાંગ્લાદેશ (50મા)ની સ્થિતિ ભારતથી બહેતર : વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો અહેવાલ

ન્યુદિલ્હી : વિશ્વ સ્તરે સ્ત્રીઓ અને પુરુષો વચ્ચેની અસમાનતા દર્શાવતા વર્લ્ડ ઇકોનોમિક ફોરમના 2020 ની સાલના  અહેવાલ મુજબ ભારત ગયા વર્ષે 108 મા ક્રમે  હતું તે 4 ક્રમ પાછળ ધકેલાઈ જઈ 112 માં ક્રમે આવી ગયું છે. મંગળવારે વર્ષ 2020નો ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ જારી કર્યો, જેમાં આ વાત સામે આવી છે.જયારે નેપાળ (101મા) અને બાંગ્લાદેશ (50મા)ની સ્થિતિ ભારતથી બહેતર છે. રિપોર્ટ મુજબ, ચીન 3 ક્રમ ગગડીને 106મા, અમેરિકા 2 ક્રમ ગગડીને 53મા, શ્રીલંકા 102મા, બ્રાઝિલ 92મા, ઇન્ડોનેશિયા 85મા અને પાકિસ્તાન 151મા ક્રમે છે. ઇરાક 152મા અને યમન 153મા ક્રમે છે. આઇસલેન્ડ જાતિ સમાનતા મામલે સતત 11મા વર્ષે પણ પ્રથમ ક્રમે યથાવત્ છે. WEFએ જેન્ડર ગેપ અંગે સૌપ્રથમ 2006માં રિપોર્ટ જારી કર્યો હતો ત્યારે ભારત 98મા ક્રમે હતું. WEFએ રિપોર્ટમાં કહ્યું છે કે અગાઉ એમ મનાતું હતું કે જાતિ અસમાનતા દૂર થતાં 108 વર્ષ લાગશે પણ મહિલાઓની વધતી સહભાગિતાથી કહેવાય છે કે ભેદભાવ દૂર થવામાં 99.5 વર્ષ લાગશે.

રિપોર્ટમાં જણાવાયું છે કે રાજકારણમાં મહિલાઓની સ્થિતિ સુધરી છે. રાજકીય અસમાનતા દૂર થવામાં અંદાજે 95 વર્ષ લાગી શકે છે. ગત વર્ષે કહેવાયું હતું કે તેમાં 107 વર્ષ લાગી શકે છે. વૈશ્વિક સ્તરે મહિલાઓની નીચલા ગૃહમાં 25.2% અને મંત્રીપદો પર 21.2% હિસ્સેદારી છે. ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ ચાર મુખ્ય પરિબળ- આર્થિક ભાગીદારી અને તકો, શૈક્ષણિક સિદ્ધિ, સ્વાસ્થ્ય અને જીવનરક્ષા તથા રાજકીય સશક્તીકરણના માપદંડ પર જાતિ સમાનતાનું મૂલ્યાંકન કરે છે.

(7:13 pm IST)