Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

સ્‍વૈચ્‍છિક નિવૃત્તિ યોજનાઃ વીઆરએસના કારણે બીએસએનએલને ચાલુ નાણાકીય વર્ષમાં રૂ.1300 કરોડની બચતની અપેક્ષા

મુંબઈ : પબ્લિક સેક્ટરની ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડને ચાલુ નાણાકીય વર્ષમાં 1,300 કરોડ રૂપિયા જેટલી મોટી બચતની અપેક્ષા છે. આ બચત કંપનીની સ્વૈચ્છિક નિવૃતિ યોજના (VRS)ના કારણે થશે. નોંધનીય છે કે બીએસએનએલના 78,569 જેટલા કર્મચારીઓએ વીઆરએસનો વિકલ્પ પસંદ કર્યો છે અને આ યોજના જાન્યુઆરીથી અમલમાં મુકાશે.

           ખોટના ખાડામાં ગરકાવ થયેલા બીએસએનએલના કર્મચારીઓ માટે ખાસ વીઆરએસ પોલીસી તૈયાર કરી દેવામાં આવી છે. સરકારી ટેલીકોમ કંપનીના કર્મચારીઓ માટેની આ સ્વૈચ્વીક ફિનવૃતિ યોજનામાં લાભ લેવા ઇચ્છુકોને પેન્શન, ગ્રેચ્યુટી સહિતનું આકર્ષક પેકેજ અપાશે. આ માટે તૈયાર કરાયેલ ખાસ પોલીસી પેકેજમાં કર્મચારીઓને 125 પગાર અપાશે તેની સાથે રજાઓનું પણ રોકડ રૂપાંતર ચૂકવાશે. 50 વર્ષ ઉપરના કર્મચારીઓ આ યોજનાનો લાભ લઇ શક્યા છે. આ યોજનામાં વીઆરએસ યોજનાનો લાભ લેનારા કર્મચારીઓની વય 60 વર્ષની થાય ત્યારે તેને આઠ ટકા વ્યાજ સાથે ગ્રેજયુટી સહિતના લાભો આપી દેવાશે.

           BSNLના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પી.કે. પુરવારે કહ્યું છે કે વીઆરએસ યોજના 2020ની 31 જાન્યુઆરીથી અમલમાં મુકવામાં આવશે અને આના કારણે કંપનીના પગારભારણમાં નાણાંકીય વર્ષમાં 1,300 કરોડ રૂપિયાની બચત થશે. હાલમાં સરકાર તરફથી બીએસએનએલ અને એમટીએનએલ માટે 69,000 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. આ પેકેજમાં બંને સરકારી ટેલિકોમ કંપનીના વિલયની સાથેસાથે કર્મચારીઓના વીઆરએસનો પણ સમાવેશ થાય છે. હવે સરકાર વિલય પછી બે વર્ષમાં એકમને નફાકારક બનાવવા ઇચ્છે છે.

(5:03 pm IST)